શહેરની કારેલીબાગ ઓવરહેડ પાણીની ટાંકીમાં ફરીથી લીકેજ થતા સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ટાંકીમાંથી ટપકતું પાણી જમીન પર વહી જતાં ટાંકીની નીચે કાદવ અને કીચડ જોવા મળે છે.
કારેલીબાગની આ ઓવરહેડ પાણીની ટાંકી વર્ષો જૂની છે. ૧૮ લાખ લીટર ક્ષમતા ધરાવતી આ ટાંકીમાં સમય જતાં તિરાડો પડી છે, જેના કારણે અંદર ભરાયેલું પાણી બહાર લીક થઈ રહ્યું છે. અગાઉ વર્ષ ૨૦૨૧ દરમિયાન પણ આવીજ રીતે લીકેજની સમસ્યા સર્જાતાં તિરાડ પડેલા ભાગોમાં ત્રણથી ચાર પ્રકારના કેમિકલનો ઉપયોગ કરી વોટર પ્રુફિંગ કરાયું હતું.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઓવરહેડ ટાંકીઓમાં સમયાંતરે મેન્ટેનન્સ જરૂરી બનતું હોય છે. જોકે હાલ ફરીથી લીકેજ શરૂ થતાં પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ, ટાંકી જર્જરિત બનતા તેની નજીક જ નવી ઓવરહેડ પાણીની ટાંકી બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે.


