જુગારની ક્લબમાં એલસીબીનો દરોડો, 8 શકુની ઝડપાયા, 4 શખ્સ નાસી છૂટયા
લીંબડી પોલીસ સ્ટેશન નજીક કૃષ્ણનગર સોસાયટીમાં
લીંબડી પોલીસના નાક નીચે હોમગાર્ડ જવાન ક્લબ ચલાવતો હોવાની ચર્ચા ઃ રોકડ સહિત ૨.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત
લીંબડી - લીંબડી પોલીસ સ્ટેશન નજીક નાક નીચે ચાલતાં જુગારની ક્લબ પર સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે દરોડો પાડીને ગુડદી પાસાનો જુગાર રમતાં ૮ શકુનિઓ પોલીસે ઝડપી પાડયા હતા જ્યારે ૪ શકુનિઓ નાસી છુટયા હતાં. ઝડપાયેલા શખ્સો પાસેથી મોબાઈલ તથા બાઈક અને રોકડ રકમ મળીને કુલ રૃપિયા ૨.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરીને ગુનો નોંધ્યો હતો. તેમજ લીંબડી પોલીસના નાક નીચે અને તેની રહેમનજર હેઠળ હોમગાર્ડનો જવાન જુગારનો અડ્ડો ચાલાવતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લીંબડી પોલીસ સ્ટેશન નજીક કૃષણનગર સોસાયટીમાં રહેતા બળદેવ દેવજીભાઈ મકવાણાના ઘરમાં ઉમેશ મનશુખભાઈ મકવાણા તથા હોમગાર્ડ જવાન પુત્ર કુલદીપ દિનેશભાઈ સોલંકી બહારથી માણસો બોલવી ગુડદી પાસાનો જુગાર રમાડી રહ્યા છે તેવી સુરેન્દ્રનગર એલસીબી પોલીસને બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડીને જુગાર રમતાં ઉમેશ મનશુખભાઈ મકવાણા, અશોક કાંતિભાઈ સોનગરા, પ્રવિણ ઉર્ફે રઘુ બકુલભાઈ મકવાણા, જગદીશ કાંતિભાઈ મકવાણા, એજાજ ઉમદશા દિવાન, જાવેદ હારૃનભાઈ દિવાન, અરૃણ માવજીભાઈ જાડા, હરદિપ પ્રવિણસિંહ ઝાલા સહિતનાને ઝડપી પાડયા હતાં.
એલસીબી પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી રૃ.૧,૧૫,૦ ૯૦ રોકડ, નવ મોબાઈલ કિં.રૃ. ૫૫,૫૦૦ તથા બે બાઈક કિં.રૃ.૪૦,૦૦૦ મળીને કુલ રૃ.૨,૧૦,૫૯૦નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે રેડ દરમિયાન નાસીજનાર જુગાર રમાડનાર કુલદીપ દિનેશભાઈ સોલંકી, બળદેવ દેવજીભાઈ મકવાણા, અનીલ મકવાણા સહિત અન્ય એક શખ્સ મળીને કુલ ૧૨ શખ્સ વિરૃદ્ધ એલસીબી પોલીસે લીંબડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવીને તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક પોલીસ અને એલસીબી પોલીસની કામગારી સામે સવાલ
લીંબીડી પોલીસ સ્ટેશનના નાક નીચે પોલીસ સ્ટેશનની નજીક આવેલી સોસાયટીમાં જુગારની ક્લબ ચાલતી હોય અને સ્થાનિક પોલીસ અજાણ હોય તેને લઇ લોકોમાં શંકાકુશંકા થઇ રહી છે. તેમજ દરોડા દરમિયાન દાવ પર મોટી માત્રમાં રૃપિયા લાગ્યા હતા પરંતુ એલસીબી પોલીસે ઓછી રકમ બતાવી હોવાની તેમજ જુગાર રમાડનાર હોમગાર્ડ જવાનના બદલે તેના પુત્રનું નામ ફરિયાદમાં લખાવ્યું હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
૨૦૨૨મા એક હોમગાર્ડ જવાને મિત્ર સાથે મળી જુગારની ક્લબ શરૃ કરી હતી
લીંબડીમાં કબીર આશ્રમ પાછળ આવેલા રહેણાંક મકાનમાં હિંમત દલાભાઇ ડાભી નામના હોમગાર્ડ જવાને મિત્ર સાથે મળીને જુગારની ક્લબ શરૃ કરી હતી. આ ક્લબ પર લીંબડી પોલીસે ૧૮ જુલાઇ ૨૦૨૨ના રોજ દરોડો પાડી ગુડદી પાસાનો જુગાર રમી રહેલા પાંચ શખ્સોને દબોચી લીધા હતાં અને રોકડા રૃ.૧,૪૭,૩૦૦, એક કાર તથા ત્રણ મોબાઇલ સહીત કુલ રૃપિયા ૧૧,૬૨,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો.