અમદાવાદમાં ફ્રૂટની લારી લઈને બંધ મકાનોની રેકી કરતા, અડધી રાત્રે ચોરીને અંજામ આપી ફરાર થઈ જતાં
નારણપુરામાં ભૂતાન ફરવા ગયેલા ડોક્ટરના ઘરમાં આરોપીઓએ દાગીના, રોકડા રૂપિયા અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ ચોરી હતી
એલસીબી ઝોન વન દ્વારા 12.50 લાખની મત્તાની ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો
અમદાવાદઃ વેકેશનનો સમય હોવાથી ઘરફોડના બનાવો વધી રહ્યાં છે. રાતના સમયે થતી ચોરીઓ વધુ પ્રમાણમાં થતાં પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયાં છે. અમદાવાદના નારણપુરામાં રહેતા ડોક્ટર પરિવાર સાથે ભૂતાન ફરવા માટે ગયાં અને ચોરોએ તેમના ઘરમાંથી સોનાના દાગીના, રોકડા રૂપિયા તથા કેટલીક ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની ચોરી કરી હતી. આ ડોક્ટરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં 12.50 લાખની મત્તાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે એલસીબી ઝોન વન દ્વારા આરોપીઓને ઝડપી લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સીસીટીવી ફૂટેજના આધારે આરોપી પકડાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે નારણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ એલસીબી ઝોન વનને સોંપવામાં આવી હતી. જેમાં એલસીબીએ ગુનાની ગંભીરતાને જોતાં બનાવ વાળી જગ્યાના તથા આસપાસના રૂટ પરના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. આ ફૂટેજમાં મોડી રાતના સમયે એક રિક્ષા લઈને આવેલા ત્રણ ઈસમો જીવનદીપ સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી કરતાં હોવાનું જણાયું હતું. એલસીબીએ આ ત્રણેય ઈસમોની ઓળખ કરીને તેમની ભાળ મેળવવા પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન તેમને બાતમી મળી હતી. આરોપીઓ સવારે ફ્રૂટની લારી ફેરવીને આસપાસના વિસ્તારમાં બંધ મકાનોની રેકી કરતાં હતાં અને રાત્રે તક જોઈને તેમાં ચોરી કરીને ફરાર થઈ જતાં હતાં.
રિક્ષા સાથે ત્રણેય આરોપીને ઝડપી લેવાયા
બાતમીને આધારે એલસીબીના અધિકારીઓએ રાતના સમયે નારણપુરામાં જીવનદીપ સોસાયટીના બંધ મકાનમાંથી સોનાના દાગીના, ચાંદીની વસ્તુઓ, રોકડા રૂપિયા અને ઈલેક્ટ્રીક વસ્તુઓની ઘરફોડ ચોરી કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે જગો, વિજય દંતાણી અને જયેશ ઉર્ફે બડીયોએ ગુનો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ રિક્ષા સાથે પકડી પાડ્યા હતાં. પોલીસે તેમની પાસેથી 13 હજારની કિંમતના ચાંદીના કુલ 15 સિક્કા, 12 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન તથા ગુનામાં વપરાયેલ એક લાખની કિંમતની રિક્ષા મળીને કુલ 1.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.