દારૂ-જુગારની લતે ચઢેલો બેકાર રત્નકલાકાર નાના ભાઇની પત્નીને લઇને જ ભાગી ગયો
પત્નીને કહેતો તું મને છુટાછેડા આપ હું જલ્પા સાથે ભાગી જવાનો છું
જુગાર રમવા પૈસાની માંગણી કરી પત્ની પર અત્યાચાર ગુજારતો અને બાદમાં ઘરમાં જુગારધામ શરૂ કરી ભાઇની પત્ની સાથે પ્રેમસંબંધ બાંધ્યો
સુરત તા. 19 જુલાઇ 2020 રવિવાર
દારૂ-જુગારની લતે ચઢી દેવાળીયા થયેલા પતિએ ઘરમાં જ જુગારધામ શરૂ કરવા ઉપરાંત નાના ભાઇની પત્નીને લઇને ભાગી જવાની સાથે શારિરીક-માનસિક ત્રાસ આપવાની સાથે જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરતા બે સંતાનની માતાએ પુણા પોલીસ મથકમાં પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર-મહુવાની વતની કામીની (નામ બદલ્યું છે) ના લગ્ન 10 વર્ષ અગાઉ રત્નકલાકાર વિપુલ વનમાળી ચૌહાણ (રહે. ભાણવડ, તા. મહુવા, ભાવનગર) સાથે થયા હતા અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડા જ સમયમાં વિપુલ દારૂ-જુગારની લતે ચઢી જતા પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. નોકરી છોડી બેકાર બનેલા વિપુલે પૈસાની માંગણી કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરતા મામલો મહુવા પોલીસમાં પહોંચ્યો હતો. પરંતુ વડીલોની દરમ્યાનગીરીથી સમાધાન કરી લીધું હતું અને કામીની પતિ વિપુલ સાથે વરાછાની કમલ પાર્ક સોસાયટીમાં રહેવા આવી ગઇ હતી. પરંતુ ત્યાં પણ વિપુલે જુગાર રમવાનું ચાલુ રાખતા દેવું થઇ ગયું હતું અને ઉઘરાણી માટે લેણદારો ઘરે આવતા હોવાથી પુણા વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેવા ચાલ્યા ગયા હતા. જયાં પતિ વિપુલ અને દિયર મેહુલે ભાડાના ઘરમાં જ જુગારધામ શરૂ કરી દીધું હતું. આ દરમ્યાનમાં વિપુલ અને મેહુલની પત્ની જલ્પા (નામ બદલ્યું છે) વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને મોટા ભાગનો સમય વિપુલ તેના ભાઇના ઘરે પસાર કરતો હતો. બીજી તરફ લોક્ડાઉન શરૂ થતા મેહુલ અને તેની પત્ની જલ્પા સાથે વિપુલ પણ વતન ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તા. 14 જુનના રોજ વિપુલ પરત આવ્યો હતો અને કામીનીને તું મને છુટાછેડા આપી દે હું જલ્પા સાથે ભાગી જવાનો છું એમ કહ્યું હતું. પરંતુ કામીનીએ છુટાછેડાની ના કહેતા બે દિવસ બાદ વિપુલ જલ્પા સાથે ભાગી ગયો હતો. દરમ્યાનમાં તા. 16 જુલાઇએ કામીની ઓલપાડ ગઇ હતી જયાં વિપુલ અને જલ્પાને સાથે નાસ્તો કરતા જોતા તેણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. ઘટના સ્થળેથી ત્રણેયને પોલીસ મથકમાં લઇ ગયા હતા જયાં પણ વિપુલે કામીનીને માર માર્યો હતો. આ મુદ્દે વિપુલના પરિજનોએ સમાધાન કરવાનું કહી સંબંધીના ઘરે ભેગા થયા હતા. જયાં પણ વિપુલે કામીનીનું ગળુ દબાવી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી કામીનીએ પુણા પોલીસ મથકમાં અરજી કરવા ઉપરાંત પોલીસ કમિશનરને અરજી કરી હતી. જેના આધારે પોલીસે પતિ વિપુલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.