Gujarat

તળાજા કોર્ટમાં ટપતા પાણી પ્રશ્ને વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા

By GS TEAM
25 Jun 20252 mins read
તળાજા કોર્ટમાં ટપતા પાણી પ્રશ્ને વકીલો અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા

- ધારાશાસ્ત્રીઓની 6 વર્ષથી રજૂઆત થતાં પીડબ્લ્યુડી વિભાગ ગાંઠતો નથી

- બિલ્ડીંગ નિર્માણમાં ભ્રષ્ટાચારની રાવ, ચારેય કોર્ટ, ડે.કલેક્ટર અને મામલતદાર કચેરીના કામોથી વકીલો અળગા રહ્યા

તળાજા : તળાજામાં આવેલી ત્રણ માળની કોર્ટ બિલ્ડીંગના નિર્માણમાં ભારોભાર ભ્રષ્ટાચાર થયો હોય તેમ વરસાદી પાણી ટપકતું હોવાના કારણે બિલ્ડીંગ જર્જરીત થવા લાગી છે. આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પીડબ્લ્યુડી વિભાગના અધિકારીઓ ધારાશાસ્ત્રીઓને ગાંઠતા ન હોય, રોષે ભરાયેલા વકીલોએ વીજળિક હડતાલ પાડી દીધી હતી.

તળાજા બાર એસોસિયેશનના ૭૦ જેટલા સભ્યો આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. એસો.ના પ્રમુખ જે.કે. દવેએ જણાવ્યું હતું કે, તળાજા કોર્ટના બિલ્ડીંગને સાત વર્ષ પહેલા સોંપવામાં આવ્યું ત્યારથી જ છતમાંથી પાણી પડવાની સમસ્યા હતી.જેને લઈ છેલ્લા છ વર્ષથી પીડબ્લ્યુડી વિભાગને રજૂઆત કરવામાં આવી છતાં ટપકતા પાણીના પ્રશ્નનો નિવેડો લાવવામાં આવ્યો નથી. જેના કારણે કોર્ટ બિલ્ડીંગ જર્જરીત થઈ જતાં જ્યુડીશિયલ ઓફિસરો, વકીલો, કોર્ટ સ્ટાફ અને પક્ષકારોના જીવ ઉપર જોખમ ઉભું થયું છે. પીડબ્લ્યુડી વિભાગે બિલ્ડીંગ નિર્માણમાં ભ્રષ્ટાચાર આચાર્યાની રાવ સાથે જ્યાં સુધી કોર્ટ બિલ્ડીંગમાં પાણી પડતું બંધ નહીં થાય ત્યાં સુધી વકીલ મંડળ દ્વારા ચારેય કોર્ટની કાર્યવાહી ઉપરાંત ડે. કલેક્ટર, મામલતદાર કચેરીને લગતા કામોથી દૂર રહી અચોક્કસ મુદ્દતની હડતાલ રાખવાનો નિર્ણય લેવાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.જયારે, કોર્ટના ઈન્સ્ટુમેન્ટ, કેસ કાગળો પલળીને ખરાબ થઈ ગયાનું જણાવી બાર એસો.ના સભ્ય અને પૂર્વ પ્રમુખે પીડબ્લ્યુડી વિભાગને વારંવારની રજૂઆત કરવા છતાં પગલા ન લેવાતા ગંભીર સ્થિતિનું નિર્માણ થયું હોવાનો આક્ષેપ કર્યો હતો.આ મામલે જરૂર જણાયે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ વકીલોની હડતાલને પગલે અસીલો, પક્ષકારોને કોર્ટ બિલ્ડીંગમાં પ્રવેશ ન આપી બહારથી જ હાજરી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.જયારે, આ મામલો ગરમાતાં ભ્રષ્ટ અધિકારીઓને ન્યાયપાલિકાનો પણ ડર ન હોય તેવી લાગણી પક્ષકારોમાં ઉદ્દભવી છે.