Gujarat

મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ

By GS TEAM
30 Nov 20251 min read
મહુવામાં ન.પા.નો અંધેર વહીવટ, ગંદકીથી ખદબદતા જાહેર રસ્તાઓ

- ઉકરડાના કારણે રખડતા ઢોરનો પણ ત્રાસ વધ્યો

- લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર છતાં તંત્ર ઘોર નિંદ્રામાં, લોકોમાં રોષ

મહુવા : મહુવા શહેરમાં નગરપાલિકાના અંધેર વહીવટના કારણે જાહેર રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળી રહ્યો છે. જેના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહી છે.

મહુવા નગરપાલિકાનો વહીવટ છેલ્લા ઘણાં સમયથી કથળી ગયો છે. ખાસ કરીને સફાઈ કામગીરીમાં કોઈ ધ્યાન જ આપવામાં આવતું ન હોવાના કારણે શાકમાર્કેટ, જનતા પ્લો, ખારના ઝાપા, નૂતનનગર, કુબેરબાગ સહિતના વિસ્તારો ઉકરડાથી ખદબદી રહ્યા છે. કચરાના ઢગ આસપાસ રખડતા ઢોરો અડ્ડો જમાવીને રહેતા હોવાના કારણે વાહનચાલકોને ઢોરના ત્રાસથી મુશ્કેલી વેઠવી પડે છે. કચરાના સામ્રાજ્યના કારણે માખી, મચ્છરોનો ઉપદ્રવ વધતા લોકોના આરોગ્ય જોખમાયું છે, તેમ છતાં ન.પા. તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. વહીવટી તંત્રના અંધેર વહીવટ સામે લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ન.પા. તંત્ર દ્વારા વહેલી તકે સફાઈ કામગીરી શરૂ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.