સુધરાઇનો વહીવટ નાયબ કલેક્ટર દરજ્જાના અધિકારીને સોંપ્યો હોવા છતાં જનસુવિધા
સફાઇ કોન્ટ્રાકટ સંભાળતી ખાનગી એજન્સી સાથેની મિલીભગત હોવાને કારણે લોકોને ગટરના ગંધાતા ગટરના પાણીમાંથી પસાર થવું પડે છે; ત્રણ - ત્રણ મહિનાથી રીપેરિંગના વાંકે સ્ટ્રીટ લાઇટ બંધ
અમરેલીનાં નગરજનો પાલિકામાં વર્તમાનના શાસનથી ત્રાહિમામ પોકારી ઉઠેલ છે. એવા આક્ષેપો થાય છે કે નાયબ કલેક્ટર દરજ્જાના ઇનચાર્જ ચીફ ઓફિસર અને સતાંધીશો શહેરની ભૂગર્ભ ગટરની સાર સંભાળ રાખનાર એજન્સી સાથેની મિલી ભગત નીતિના કારણે ફરિયાદોનો નિકાલ થતો નથી. આમ જનતાને ગટરના ગંધાતા પાણીમાંથી પસાર થવાનો વખત આવેલ છે. અમરેલી શહેરમાં ભૂગર્ભ ગટર એજન્સીની ઘોર બેદરકારીના કારણે રોગચાળો ફેલાય. તે પહેલા પાલિકાના ચીફ ઓફિસર તેમજ સતાધિશોએ તાત્કાલિક પગલા ભરવા જરૂરી બન્યા છે. ગટર વેરો ઉઘરાવવામાં પાવરઘી પાલિકા ગટર સફાઈમા સરેઆમ નિષ્ફળ ગયેલ છે. અહીં ખુદ પાલિકાના સદસ્યોંની ફરિયાદોનો નિકાલ કરવામાં પણ આવતો ન હોવાનો બળાપો ઠાલવી રહેલ છે. ભૂગર્ભ ગટર એજન્સીને વર્ષે રૂા.૧.૩૨ કરોડ જેવી માતબર રકમ ચૂકવતી હોવા છતાં પણ લોકોની ફરિયાદ બહેર કાને અથડાય છે. જવાબદાર તંત્ર દ્વારા એજન્સીને છાવરવામાં આવતી હોવાના કારણે પાલિકામાં ફરિયાદોનો ધોધ છૂટેલ છે. નાયબ દંડકના મત વિસ્તારની જનતા ભૂગર્ભ ગટરની ફરિયાદોમાં અટવાયેલ છે. ત્યારે હવે અમરેલીના ધારાસભ્ય દ્વારા દખલગીરી કરવી અનિવાર્ય બનેલ છે. મોટે ઉપાડે ચીફ ઓફિસરનો ચાર્જ નાયબ કલેક્ટર દરજ્જાના અધિકારીને છ માસ સુધી સોંપવામાં આવેલ હતો. તેમ છતાં પણ ભૂગર્ભ ગટરની વિકટ પરિસ્થિતિનો ઉકેલ આવેલ ન હતો. હવે રેગ્યુલર ચીફ ઓફિસર તરીકે વિનોદ રાઠોડની નિમણુંક કરવામાં આવેલ છે.
આવી જ પરિસ્થિતિ સ્ટ્રીટ લાઈટની સર્જાયેલ છે. ત્રણ- ત્રણ માસથી સ્ટ્રીટ લાઇટ રીપરે કરવાના અભાવે બંધ છે. રાહદારીઓ ભયના ઓથાર તળે પસાર થઈ રહેલ છે. તેમ છતાં પણ જવાબદારો સામે પગલા ભરવામાં આવતા નથી. જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં અમરેલી શહેરની હાલત વર્ષોથી સુધરતી નથી. રસ્તા, લાઇટ, પાણી જેવા સામાન્ય પ્રશ્નો માટે પ્રજાજનો વર્ષોથી પીડાતા રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં સ્થાનિક નેતાઓ અને સુધરાઇના નબળા અધિકારીનાં કારણે લોકો હેરાન થતાં રહ્યા છે. અમરેલી શહેરની સુધરાઇનો અંધેર વહીવટ સમગ્ર જિલ્લામાં ચર્ચાસ્પદ બની રહ્યો છે.


