વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના વિરોધ બાદ આખરે સત્તાધીશોએ ઈન્ટર્નશિપના નિયમોમાં ફેરફાર કર્યો છે.
લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશનના કહેવા પ્રમાણે બીએ એલએલબી તેમજ એલએલબીના વિદ્યાર્થીઓએ દર વર્ષે એક મહિનો ઈન્ટર્નશિપ કરવાની હોય છે.ફેકલ્ટીના સત્તાધીશોએ દરેક વર્ષના વિદ્યાર્થીઓ ચોક્કસ જગ્યાએ જ ઈન્ટર્નશિપ કરે તેવો નિયમ આ વર્ષથી અમલમાં મૂકોય હતો.જેમ કે બીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ એનજીઓમાં, ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ એડવોકેટના હાથ નીચે, છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ લો ફર્મ અને કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરશે તેવી જાહેરાત કરાઈ હતી.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, બાર કાઉન્સિલના નિયમ પ્રમાણે કોઈ પણ વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએ ઈન્ટર્નશિપ કરી શકે છે.જોકે વિદ્યાર્થીઓને પોતાની મરજી પ્રમાણે ઈન્ટર્નશિપ કરવા માટે ફેકલ્ટી સત્તાધીશો ભલામણપત્ર આપી રહ્યા નહોતા.જેને લઈને એક મહિનાથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા હતા.આજે ફેકલ્ટી બંધનું એલાન આપવામાં આવ્યું ત્યારે સત્તાધીશોએ આખરે ફેકલ્ટીના વોટસએપ ગુ્રપમાં જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા પ્રમાણેની જગ્યાએ ઈન્ટર્નશિપ કરવી હશે તો ફેકલ્ટી ભલામણપત્ર આપશે.
બીજી તરફ ફેકલ્ટી ડીન પ્રો.અર્ચના ગડેકરે કહ્યું હતું કે, અમે વિદ્યાર્થીઓને ભલામણપત્ર આપીએ જ છે અને હવે અપવાદરુપ કિસ્સામાં વિદ્યાર્થીને પોતાની મરજી પ્રમાણે ઈન્ટર્નશિપ કરવા માટે પણ મંજૂરી આપવાનું નક્કી કરાયું છે.








