મોડીરાતે ઓ.પી.રોડના પેટ્રોલ પંપના મેનેજર પર હુમલો
કાર હટાવવાનું કહેતા ઝઘડો કર્યો : બે આરોપી ઝડપાઇ ગયા
ઓ.પી. રોડ પરના પેટ્રોલ પંપના સ્ટોર મેનેજર પર હુમલો કરી ધમકી આપનાર બે આરોપીને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે ભાગી ગયેલા ત્રીજાની શોધખોળ હાથ ધરી છે.
ઓ.પી.રોડ રામીન પાર્કમાં રહેતો શૈલેન્દ્ર શ્રીરામ મનોહર પાંડે પેટ્રોલ પંપ પર સ્ટોર મેનેજર તરીકે નોકરી કરે છે. તેણે જે.પી.રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આજે મારી નાઇટ ડયૂટિ હતી. તે દરમિયાન ત્રણ છોકરાઓ કાર લઇને આવ્યા હતા. તેઓ પેટ્રોલ પંપના એરગેઝ પાસે ઉભા રહીને વાતો કરતા હતા. જેથી, મેં તેઓને જણાવ્યું કે,ગાડી ત્યાંથી હટાવી લો. અહીંયા આવવા જવાનો રસ્તો છે, મારા શેઠ બોલશે. ત્રણ પૈકી એક યુવક મને કહેવા લાગ્યો હતો કે,ગાડી તો અહીંયા જ ઉભી રહેશે. હું કોઇથી ડરતો નથી. મને ગાળો બોલી મારા પર હુમલો કર્યો હતો.તેઓ મને મારતા મારતા રોડ પર લઇ ગયા હતા. એક આરોપી મને કહેવા લાગ્યો હતો કે,હું કોણ છે ? તને હજી ખબર નથી. હવે પછી મારી સામે બોલતો નહીં. નહીંતર જીવતો નહીં રહે. તે દરમિયાન પોલીસની ગાડી આવી જતા ત્રણ પૈકી એક આરોપી ભાગી ગયો હતો જ્યારે બે યુવકો સ્થળ પરથી ઝડપાઇ ગયા હતા. પોલીસે રિસીત શૈલેષભાઇ ઠક્કર ,સંકેત શૈલેષભાઇ ઠક્કર સહિત ત્રણની સામે ગુનો દાખલ કયો છે.