મોડીરાતે આજવા રોડ રાત્રિ બજારમાં ૯ હુમલાખોરો લાકડી લઇને બે મિત્રો પર તૂટી પડયા
એક યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઇ ગયો, બીજો યુવક પણ ગંભરી રીતે ઘાયલ (પ્રતિનિધિદ્વારા) વડોદરા,બુધવાર
વડોદરા,આજવા રોડ રાત્રિ બજારમાં જમવા ગયેલા બે મિત્રો પર ૯ હુમલાખોરો લાકડી લઇને તૂટી પડયા હતા. હુમલાખોરોએ એટલી હદે માર માર્યો કે, એક મિત્ર લોહીલુહાણ હાલતમાં બેભાન થઇને ઢળી પડયો હતો. જ્યારે બીજો મિત્ર અર્ધ બેભાન થઇ ગયો હતો. બાપોદ પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આજવા રોડ ચાચા નહેરૃનગરમાં રહેતો વિજય કાંતિભાઇ રોહિત પોર ખાતે આવેલી શ્રી સાંઇબાબા ઇલેક્ટ્રિકલ સર્વિસિસ નામની કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૩ મી તારીખે રાતે સાડા દશ વાગ્યે હું તથા મારા મિત્રો ભાગ્યલક્ષ્મી સોસાયટીના નાકા પર બેઠા હતા. તે દરમિયાન સેલ્ફ ડ્રાઇવિંગનો ધંધો કરતો ઓમ રાજપૂત તેની થાર જીપ લઇને સ્પીડમાં નીકળ્યો હતો. જેના કારણે રોડ પર પડેલું વરસાદી પાણી અમારા પર ઉડતા અમે તેને કહેવા માટે તેના ઘરે ગયા હતા. તે દરમિયાન ઝઘડો થયો હતો.
૧૪ મી તારીખે રાતે સાડા ત્રણ વાગ્યે હું મારા મિત્રો સાથે આજવા ચોકડીની સામે રાત્રિ બજારમાં જમવા માટે ગયા હતા.તે દરમિયાન ઓમ રાજપૂત, નિલેશ ભરવાડનો મિત્ર શૈલેષ ભરવાડ તથા અન્ય પાંચ લોકો આવ્યા હતા. શૈલેષ ભરવાડ અને તેના મિત્રો માધવ ટી સ્ટોલની દુકાનમાંથી લાકડી અને ધોકાઓ લઇને આવી અમારા પર હુમલો કર્યો હતો. હું તથા દિપક દોડીને ગાડીમાં બેસવા જતા હતા. તે દરમિયાન શૈલેષ ભરવાડે દિપકને માથામાં લાકડી મારતા તે ગાડી પાસે રોડ પર પડી ગયો હતો.શૈલેષ અને તેના મિત્રો આડેધડ રીતે લાકડીઓ લઇને દિપક પર તૂટી પડયા હતા. આરોપીઓએ ગાડીના બધા કાચ પણ તોડી નાંખ્યા હતા. તેઓએ મને ગાડીમાંથી બહાર ખેંચી કાઢી માર માર્યો હતો. મેં પોલીસને કોલ કર્યો હતો. હુમલામાં દિપક બેભાન થઇ ગયો હતો. જ્યારે હું અર્ધ બેભાન થઇ ગયો હતો.
ઇજાગ્રસ્તે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી
વડોદરા,
વિજય રોહિતે પોલીસને જણાવ્યું હતું કે, બનાવના દિવસે ઓમ રાજપૂત અનેે તેના મિત્રો સન્ની રાજપૂત, નિલેશ ભરવાડે આવીને મારી સાથે ઝઘડો કરી લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ અમે ઘરે જતા રહ્યા હતા.બીજા દિવસે હું તથા મારા મિત્રો દિપક ચાવડા, જીજ્ઞોશ કટીજા તથા રાહુલ મિસ્ત્રી બેઠા હતા. તે સમયે આરોપીઓ ધમકી આપતા હોઇ અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.