મોડી રાત્રે આજવા રોડ પર યુવકને સમાધાન માટે બોલાવી ચાકુના ઉપર છાપરી ઘા ઝીંકી દીધા
Vadodara Crime : વડોદરામાં આજવા રોડ પર દત્ત નગરમાં રહેતો જયસુરભાઈ સોનુ જીગ્નેશભાઈ ઠાકોર રિક્ષા ચલાવે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 11:30 વાગે હું મારું મોપેડ લઈને કમલાનગર તળાવ ગયો હતો. મારી માનીતી બહેન જાનવીએ મને બૂમ પાડતા હું એચડીએફસી બેન્ક સામે તળાવના કિનારે ગયો હતો. ત્યાં જઈને જોયું તો જાનવી પાસે કમલ પટેલ ઉભો હતો. જાનવીએ મને કહ્યું કે આ કમલ મારું ગળું પકડી લઈ મને હેરાન કરતા કહે છે કે તું મારી સાથે મોબાઈલ પર વાત કર અને મને હેરાન કરે છે. જેથી મેં કમલને કહ્યું કે તું મારી બહેનને હેરાન ન કરે અને અહીંયાથી જતો રહે.. કમલએ મને કહ્યું કે તું મને ઓળખે છે અને ત્યારબાદ તે જતો રહ્યો હતો.
ત્યારબાદ રાત્રે 12:30 વાગે કમલે મને ફોન કરીને સમાધાન માટે બોલાવતા હું ગયો હતો. ત્યાં કમલ તથા અવિનાશ હતા જેઓએ મારા પર હુમલો કર્યો હતો. અવિનાશે ચપ્પુ વડે મારા પર હુમલો કરી માથામાં ઈજાઓ કરી હતી તેમજ કમલે લોખંડના ટુકડાથી મને માથામાં મારી ઈજા પહોંચાડી હતી. બંનેએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તે વખતે મારા મામા આવી જતા તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.