માળિયાના દેવગામે શહીદ જવાનના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર
લોકોએ તિરંગો લહેરાવી અંતિમ વિદાય આપી : ITBPના જવાનનું લદાખમાં ફરજ દરમ્યાન મૃત્યુ થયું હતું
માળિયાહાટીના, : માળિયાહાટીના તાલુકાના દેવગામે શહીદ જવાનના ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. લદાખ ખાતે ફરજ દરમ્યાન જવાનનું મૃત્યુ થયું હતું. લોકોએ તિરંગો લહેરાવી વિદાય આપતા વતનમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.
દેવગામના કારડીયા રાજપૂત સમાજના યુવાન રવિસિંહ ગોવિંદભાઈ પરમાર વર્ષ 2021માં પેરા મિલિટરી ફોર્સ આઈટીબીપીમાં જોડાયા બાદ હાલ લદાખ ખાતે ફરજ દરમ્યાન તેમનું મૃત્યું થયું હતું. આજે રવિસિંહના પાથવદેહને તિરંગામાં લપેટીને વતન લાવવામાં આવતા સમગ્ર ગામ શોકમગ્ન થયું હતું. ગળોદરથી દેવગામ સુધી યોજાયેલી શહીદયાત્રા દરમ્યાન વીરડી, અમરાપુર, કાત્રાસા સહિત ગામના લોકો તિરંગા સાથે રસ્તા પર ઉમટી પડયા હતા. શાળાના બાળકો અને યુવાનોએ તિરંગો લહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અંતિમવિધિ પૂરેપૂરી માન-સન્માન સાથે કરાઈ હતી. આર્મી જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ રવિસિંહના પાથવદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા.