અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : વિશ્વાસ પેનલ- ભાજપ ફોર્મ ભરશે
- ભાજપે છેલ્લી ઘડીએ 7 ઉમેદવારો જાહેર કર્યા
- ભાજપે ખંભાત, કપડવંજ અને પેટલાદ બેઠકોના ચાલુ ડિરેક્ટરોની ટિકિટ કાપી નવા ચહેરાને તક આપી : 29 મીએ ફોર્મની ચકાસણી થશે
અમૂલ ડેરીની ૧૨ બેઠકો અને એક વ્યક્તિગત બેઠક મળીને કુલ ૧૩ બેઠકો પર તા. ૧૦મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. ત્યારે તા. ૨૮મીને ગુરૂવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. કોંગ્રેસ પ્રેરિત વિશ્વાસ પેનલના ઉમેદવારો હજૂ જાહેર થવાના બાકી છે.
આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપે તમામ ૧૩ પૈકી ૧૨ ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાંચ ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે. ત્યારે તા. ૨૮મીને ગુરૂવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે તે અગાઉ તા. ૨૭મીને બુધવારે ભાજપે વધુ ૭ ઉમેદવારોની જાહેર કરી દીધી છે. અમૂલના વાઈસ ચેરમેન કાન્તીભાઈ સોઢા પરમારને આણંદ બેઠક પરથી ફરી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખંભાત, કપડવંજ અને પેટલાદ બેઠકોના ચાલુ ડિરેક્ટરોની ટિકિટ કાપી નાંખીને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ભાજપ ના મોવડી મંડળે અમૂલની ચૂંટણી માટે પેટલાદમાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલની પત્ની બીનાબેન તેજસભાઈ પટેલ, કઠલાલમાં ડીરેક્ટર ઘેલાભાઈ માનસિંગભાઈ ઝાલા, કપડવંજમાં એપીએમસીના ચેરમેન ધવલભાઈ નગીનભાઈ પટેલ, મહેમદાવાદમાં પુર્વ ધારાસભ્ય ગૌતમભાઈ રાવજીભાઈ ચૌહાણ, માતરમાં ભગવત ભાઈ પરમાર અને ખંભાતમાં કેડીસીસી બેંકના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ બળવંતસિંહ પરમારને ટિકિટ આપવામાં આવી છે.
ખંભાત બેઠક પરથી હાલના મહિલા ડીરેક્ટરના પતિ ચંદુભાઈ પરમાર અને પેટલાદ બેઠકના ડીરેક્ટર વિપુલભાઈ પટેલના પત્ની હેતલબેનને તેમજ કપજવંજ બેઠક પરથી ડીરેક્ટર શારદાબેન પટેલના પતિ હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી નથી. આ સાથે જ ભાજપે નડિયાદ, આણંદ, કઠલાલ, ઠાસરા, વિરપુર, બાલાસિનોરની બેઠકો પર રિપીટ થીયરી અપનાવી છે. જ્યારે ખંભાત અને પેટલાદમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા તમામ ઉમેદવારો આજે ગુરુવારે વિજયી મુહુર્ત ૧૨.૩૯ મિનિટે આણંદની કચેરીમાં ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારીપત્રો ભરશે.