Gujarat

લાંક - વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા

By GS TEAM
7 Sep 20251 min read
લાંક - વરાસી ડેમમાંથી પાણી છોડતા કપડવંજના 11 ગામોને સાવધ કરાયા

- ડેમો હાઇએલર્ટ સ્થિતિમાં હોવાથી 

- વરસાદના પગલે પાણીની આવક વધતા નદી કાંઠાના વિસ્તારોના લોકોને સાવચેત રહેવા સૂચના 

કપડવંજ : અરવલ્લી અને સાબરકાંઠાના લાંક અને વરાસી ડેમમાંથી પાણી છોડવવામાં આવતા કપડવંજ તાલુકાના નદી કાંઠાના ૧૧ ગામોને સાવચેત કરાયા છે. નદી કાંઠાના વિસ્તારોમાં પશુઓ ન લઇ જવા સહિતની સૂચના આપાઇ છે. 

ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અરવલ્લીના લાંક જળાશયમાંથી ૫૦૦ અને સાબરકાંઠાના વરાસી ડેમમાંથી ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 

પાણીની આવક સતત વધતા બંને ડેમો હાઇએલર્ટની સ્થિતિમાં હોવાથી ખેડા જિલ્લા સત્તાવાળાઓએ કલેક્ટર, કપડવંજ પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વરાસી જળાશયમાંથી ૧૫૦૦ ક્યુસેક પાણી છોડતા ભુંગળિયા, બેટાવાડા, પારીયાની મુવાડી,ખાનપુર સુલતાનપુર અને કપડવંજ શહેરને નિચાણાવાળા અને કાંઠા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જયારે લાંક ડેમમાંથી ૫૦૦ ક્યુસેક પાણી છોડતા અસરગ્રસ્ત કાવઠ, મોટા મુવાડા, લોટીયા,વાંટડા,વાસણા મુવાડા નીચાણવાળા ગામોને સાવચેતીના પગલાં માટે સંબંધિત સત્તાવાળાઓને આદેશ કરવામાં આવ્યો છે.