Get The App

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત 1 - image


Vadodara Langdi National Championship : વડોદરામાં આજથી 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો છે, ત્યારે લંગડીને 2010માં રાષ્ટ્રીય માન્યતા મળી હોવા છતાં ઓલિમ્પિક એસોસિએશનની માન્યતા પ્રાપ્ત ન થતા લંગડી એસોસિએશન ગુજરાત દાતાઓની મદદથી રમતને પ્રોત્સાહિત કરી રહ્યું છે.

બાળપણની લોકપ્રિય રમત લંગડીને પરંપરાગત ભારતીય રમતોના પાયા તરીકે માનવામાં આવે છે. ખો-ખો, વોલીબોલ અને જિમ્નાસ્ટિક્સ જેવી રમતો માટેની તાલીમમાં પણ લંગડી ઉપયોગી સાબિત થાય છે. રાષ્ટ્રીય લંગડી ફેડરેશનને 2010માં રાષ્ટ્રીય માન્યતા મળી હતી.

વડોદરામાં 1918માં સર સયાજીરાવ ગાયકવાડે સ્થાપેલી હિંદવિજય જીમખાનાના માધ્યમથી લંગડીનું પ્રસાર-પ્રસાર વધારે વેગવાન બન્યું હતું. આજે પણ લંગડી એસોસિએશન ગુજરાત આ વારસાને આગળ ધપાવી રહ્યું છે. આ રમતમાં ખર્ચ ઓછો આવે અને બાળકોને શારીરિક તથા માનસિક રીતે સ્વસ્થ રાખે તેવી આ રમત આજે ફરી લોકપ્રિય બની રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન તરફથી લંગડીની માન્યતા હજી પેન્ડિંગ છે. જો માન્યતા મળે તો રમતના વિકાસના નવા માર્ગ ખુલશે.

વડોદરામાં આજથી લંગડી નેશનલ્સ ચેમ્પિયનશીપનો પ્રારંભ : 100 વર્ષના વારસાને કરશે પુનર્જીવિત 2 - image

વડોદરામાં આજથી 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપ

વડોદરા શહેરના કીર્તિસ્થંભ પાસે ગુજરાત ક્રિડા મંડળ ખાતે 21 થી 23 નવેમ્બર દરમિયાન 15મી જુનિયર નેશનલ લંગડી ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 250 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 23 નવેમ્બરે વિજેતા ખેલાડીઓને સન્માનિત કરવામાં આવશે.

સરકારી સ્પર્ધામાં સમાવેશ નથી, સહાય પણ મળતી નથી

લંગડી એસોસિએશન ગુજરાતના સેક્રેટરી યોગેશ મુલે અને જોઈન્ટ સેક્રેટરી દિલીપ ઠસાલ જણાવે છે કે રમત રસપ્રદ અને જરૂરી હોવા છતાં સરકારી સ્પર્ધાઓમાં તેનો સમાવેશ થતો નથી તેમજ કોઈ સરકારી સહાય પણ મળતી નથી. ખેલ મહાકુંભમાં લંગડીને સ્થાન આપવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ બજેટના અભાવે મદદ મળી નથી. તેને કારણે દાતાઓની મદદથી જ ટુર્નામેન્ટ્સ શક્ય બને છે.

વડોદરાના ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે મેળવી ખ્યાતિ

વડોદરાના હર્ષ સાવંત, શ્લોક પવળે, કૃષ્ણ ઠક્કર, ભાર્ગવી વસાવા સહિતના ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ગુજરાતની ટીમો અનેક ફોર્મેટમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ જીત્યા છે. છતાં લંગડીને હજી પૂરતી માન્યતા નથી મળી, જેના કારણે રમત વિકાસના માર્ગે પડકારો યથાવત છે.

લંગડીની રમતની પદ્ધતિ

* બંને તરફ ટીમમાં 12-12ખેલાડીઓ

* 4 ઇનિંગ્સ–વારાફરતી ડિફેન્સ અને એટેક

* એટેકર ખેલાડીઓ એક પગ પર કૂદી ડિફેન્ડર્સને ટેગ કરે

* દરેક ઇનિંગ 9 મિનિટ

* પહેલી ઇનિંગ જમણા પગે, બીજી ડાબા પગે લંગડી

* કુલ મેચ સમય 50 મિનિટ

Tags :