Get The App

વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
વઢવાણના ખોડુમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર નહીં કરતા માલધારીઓમાં રોષ 1 - image

માલધારીઓએ પશુધન ગ્રામ પંચાયતમાં પુરી દીધા

ગૌચરની માપણી કરી દબાણ દૂર નહી કરાય ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની ચીમકી

સુરેન્દ્રનગરવઢવાણ તાલુકાના ખોડુ ગામે ગૌચરની જમીનો પર કરેલ દબાણ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતા પશુપાલકોએ પોતાના પશુઓને ગ્રામ પંચાયત કચેરીમાં પૂરી વિરોધ કર્યો હતો. ગૌચરની માપણી કરી દબાણ દૂર નહીં કરાય ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની માલધારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

વઢવાણ તાલુકાના ખોડુ ગામ સહિત આસપાસના ગામોમાં વર્ષોેથી અનેક ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓ તેમજ માથાભારે શખ્શો દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. ગૌચરની જમીનો પર દબાણ વધતા પશુઓને ચરાવવામા પણ હાલાકી પડી રહી છે. આ સમસ્યા અંગે અગાઉ ઘણીવાર માલધારીઓ સહિતના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી.

આથી રોષે ભરાયેલા પશુપાલકોએ ખોડુ ગ્રામ પંચાયતમાં પશુઓને પુરી વિરોધ કર્યોે હતો. જ્યારે આ તકે પશુપાલક બુટાભાઈ રબારીના જણાવ્યા મુજબ ગૌચરની જમીનની માપણી કરવા આવનાર સરકારી અધિકારીઓને ભૂમાફિયાઓના દબાણથી પોલીસ પ્રોટેક્શન પણ નહીં આપવામાં આવતા તેઓ પણ માપણી કરવામાં ડર અનુભવતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ જ્યાં સુધી ગૌચરની જમીનની સાચી માપણી કરવામાં નહી આવે અને જમીન પર કરેલ ગેરકાયદેસર દબાણો અંગે કાર્યવાહી કરી જમીનો ખુલ્લી કરવામાં નહી આવે ત્યાં સુધી પશુઓને ગ્રામ પંચાયતમાં પૂરી રાખવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જ્યારે ગ્રામ પંચાયતમાં પશુઓને પૂરી પશુપાલકો દ્વારા વિરોધ કરતા પંચાયતના હોદેદારોમાં પણ દોડધામ મચી જવા પામી હતી.