Get The App

બાવળામાં ભાડુઆત અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
બાવળામાં ભાડુઆત અને પાડોશના ઝઘડામાં વચ્ચે પડેલા મકાન માલિકની હત્યા 1 - image

- ઉંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે ઝઘડો થયો હતો

- આરોપીએ મકાન માલિકની છાતીમાં ધારદાર છરાના ઘા ઝીંકી હત્યા કરી : આરોપી પાડોશની ધરપકડ

બાવળા : બાવળામાં ઉંચા અવાજમાં મ્યુઝિક વગડવા મુદ્દે થયેલા ઝઘડાનો લોહિયાળ અંત આવ્યો છે. ભાડુઆત અને પાડોશી વચ્ચે થયેલા ઝઘડામાં સમાધાન માટે વચ્ચે પડેલા મકાન માલિકની પાડોશીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

બાવળાના શ્યામ કોમ્પ્લેક્સમાં શુક્રવારે રાત્રે અંદાજે સવા દસ વાગ્યા આસપાસ પ્રદીપસિંહ પ્રભાતસિંહ ચૌહાણ (ઉ.આશરે ૪૦, મુળ વતન ચીયાડા ગામ)ની ઓરડીમાં ભાડે રહેતા રવીન્દ્રસિંહ અને અન્ય રહેવાસી સુરેશ નંદલાલ ઠક્કર વચ્ચે ઊંચા અવાજે મ્યુઝિક વગાડવા બાબતે બોલાચાલી થઇ હતી. બોલાચાલી ઉગ્ર બનતા પ્રદિપસિંહ ઝઘડો ઉકેલવા વચ્ચે પડતા રોષે ભરાયેલા સુરેશ ઠક્કરે પોતાના ઘરમાંથી ધારદાર છરો (હથિયાર) લઈને આવ્યા અને પ્રદીપસિંહની છાતીના ભાગે બે ઘા ઝીંકી દેતા ગંભીર ઇજાના કારણે ઢળી પડયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવે તે પહેલા જ સ્થળ પર તેમનું મૃત્યું નીપજ્યું હતું. 

ઘટનાની જાણ થતાં બાવળા પોલીસે સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આરોપી સુરેશ ઠક્કર વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી સુરેશ ઠક્કર દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને તેની વિરુદ્ધ દારૂ પીવા અંગેના કેસ અગાઉ નોંધાયેલા હતા.