| AI IMAGE |
Gujarat’s Landline Era Ends: મોબાઇલ ફોનના વધતાં જતાં પ્રભુત્વ વચ્ચે લેન્ડલાઇન ફોન હવે ભૂતકાળ બનવા તરફ આગળ વધી રહ્યા છે. ગુજરાતમાં એક વર્ષમાં બીએસએનએલના લેન્ડલાઇન ફોન કનેક્શનની સંખ્યા અડધોઅડધ ઘટીને 61523 થઈ ગઈ છે. બીજી તરફ ગુજરાતમાં 6.53 કરોડ મોબાઇલ કનેક્શન્સ છે.
ગુજરાતમાં હવે માત્ર 61 હજાર લેન્ડલાઇન ફોન જ્યારે 6.53 કરોડથી વધુ મોબાઇલ કનેક્શન
મોબાઇલ ફોન પા-પા પગલી ભરી રહ્યા હતા ત્યારે એટલે કે 2002-03ના સમયગાળામાં 29.78 લાખથી વધુ લેન્ડલાઇન ફોન કનેક્શન હતા. વર્ષ 2003થી 2007 દરમિયાન 23 લાખથી વધુ ઘરમાં લેન્ડલાઇન ફોનના કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
અલબત્ત, આ પછી લેન્ડલાઇન ફોનનું પ્રમાણ તબક્કાવાર ઘટવા લાગ્યું છે. હાલ ખાસ કરીને સરકારી કચેરીઓમાં જ લેન્ડલાઇન ફોન જોવા મળે છે. આ સિવાય ભાગ્યે જ કોઇ ઘરમાં લેન્ડલાઇન કનેક્શન આજે પણ હોય છે.
1950થી 1980ના દાયકા સુધી લેન્ડલાઇન ફોન એક લક્ઝરી સમાન હતા અને સાધન-સંપન્ન પરિવારમાં જ તે જોવા મળતા. ગુજરાતમાં 1950-51માં 3866, 1960-61માં 18332, 1970-71માં 68193 લેન્ડલાઇન ફોનના કનેક્શન હતા. આ પ્રમાણ 1980ના દાયકાથી વધવા લાગ્યું હતું. 1980-81માં 1.98 લાખ, 1990-91માં 4.53 લાખ અને 1996-67માં 10.78 લાખ લેન્ડલાઇન ફોનના કનેક્શન હતા.
બીજી તરફ ગુજરાતમાં હાલ 8889 જેટલી પોસ્ટ ઑફિસ છે. પોસ્ટ ઑફિસની સંખ્યામાં ખાસ કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. અલબત્ત, 2000ના વર્ષ સુધી 9 હજારથી વધુ પોસ્ટ ઑફિસ હતી.
ગુજરાતમાં કોમ્યુનિકેશનના સાધનોની સંખ્યા
| વર્ષ | પોસ્ટઑફિસ | લેન્ડલાઇન | મોબાઇલ ફોન |
| 2020-21 | 8,846 | 4,66,470 | 6.94 કરોડ |
| 2021-22 | 8,838 | 3,93,836 | 6.72 કરોડ |
| 2022-23 | 8,845 | 3,32,838 | 6.62 કરોડ |
| 2023-24 | 8,888 | 1,17,438 | 6.59 કરોડ |
| 2024-25 | 8,8889 | 61,523 | 6.53 કરોડ |
| ( લેન્ડલાઇનમાં બીએસએનએલના ફોન.) |


