આણંદ નજીક 114 કરોડની જમીન રાજકોટ સ્વામિ.ગુરૂકુળને 38 કરોડમાં પધરાવી દેતાં આંદોલનની ચિમકી
Land Controversy: આંકલાવના કહાનવાડી ગામે રૂા. 113.76 કરોડ જેટલી મોટી રકમની 237 વીઘા જમીન માત્ર 37.48 કરોડમાં જ સરકારે રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળને શિક્ષણના હેતુથી પધરાવી દીધી છે. જેનું મહેસુલ ભરવાનું અટકાવી ગ્રામજનોએ વિરોધ કર્યો છે. આગામી સમયમાં જો જમીન ફાળવણીનો નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચિમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.
જમીન મફતના ભાવે ફાળવી દેવાતાં વિવાદ
આંકલાવ તાલુકાના કહાનવાડી ગ્રામ પંચાયત ખાતે રાજકોટની સ્વામિનારાયણ ગુરુકુળના વ્યવસ્થાપક મહેસૂલ ભરવા આવ્યા હતા. જેની જાણ ગ્રામજનોને થઈ હતી. પુછપરછ કરતાં વ્યવસ્થાપકે આણંદ જિલ્લા કલેકટર અને જમીન માપણી વિભાગનો પરિપત્ર બતાવ્યો હતો. જેમાં કહાનવાડીની વિવિધ સરકારી પડતરની જમીન હેક્ટર 37-38-75 ચોરસ મીટર એટલે કે અંદાજિત 237 વીઘા જમીન શૈક્ષણિક હેતુ માટે ફાળવવામાં આવેલી છે.
આ જમીનની કિંમત સરકારે રૂા. 37.48 કરોડ રૂપિયા જેટલી આંકી છે. જે અંગેનો પરિપત્ર પણ બતાવ્યો હતો.જે ભરવા માટે તે ગ્રામ પંચાયતમાં આવ્યા હતા. ગામની કિંમતી જમીન ફાળવી દેવાઈ હોવાની જાણ થતા ગ્રામજનો પંચાયત પાસે ભેગા થઈ ગયા હતા. હાલ કહાનવાડી ગ્રામ પંચાયતમાં વહીવટદારનું શાસન હોવાથી તેમને મહેસૂલની રકમ લેવાની ગ્રામજનોએ ના પાડી હતી. ભારે રકજક અને વિવાદ બાદ આખરે મહેસૂલની રકમનો ચેક લેવામાં આવ્યો ન હતો. ગ્રામજનોએ પૂછપરછ કરતા સરકાર દ્વારા રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળને શૈક્ષણિક કાર્ય માટે અંદાજિત 237 વીઘા જમીન બારોબાર ગ્રામજનોની મંજૂરી વિના ફાળવી દેવાનો પરિપત્ર સરકારમાંથી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ જમીનની કિંમત અંદાજીત 350 કરોડ જેટલી હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, હાલ મહેસૂલ ભરવાનું અટકાવી દેવાયું છે. આ જમીન ફાળવ્યા અંગે ગ્રામજનોની પૂર્વ મંજૂરી લેવાઈ નથી. ફાળવણી કરેલી જમીનમાં ભવિષ્યમાં લોક હેતુ માટે આવાસમાં થઈ શકે એમ છે અમારા ગામમાં રેલ વે લાઈન પસાર થઇ હોવાથી નાના ખેડૂતોની જમીન સંપૂણ રેલવેમાં જતી રહેલી છે. તો લોકોને રહેવા માટે કોઇપણ જમીન ફાળવવામાં આવેલ નથી. આ અંગે ગુરૂવારે ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર આપશે. જો જમીન ફાળવણી પાછી નહીં ખેંચાય તો આંદોનલનની ચિમકી પણ ગ્રામજનોએ ઉચ્ચારી છે.
વીઘાનો બજાર ભાવ 50 લાખ છતાં પાણીના ભાવે જમીન આપી
કહાનવાડીના ખેડૂતોની માહિતી મુજબ સરકારે 237 વીઘા જમીન જે ભાવથી વેચી છે તે પ્રમાણે અંદાજિત 16 લાખ રૂપિયા વીઘાની કિંમત છે. પરંતુ નદી પાસે હાલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન શરૂ થઈ રહ્યો છે જેથી આ જમીનની બાજુની સમતલ જમીનનો એક વીઘાનો બજાર ભાવ 40થી 50 લાખ રૂપિયા જેટલો થાય છે. 237 વીઘાની બજાર ભાવની કિંમત કરીએ તો રૂપિયા 113.76 કરોડ જેટલી અંદાજિત થવા પામે છે. ત્યારે પાણીના ભાવે જમીન સરકારે પધરાવી દીધી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.