કોલવડામાં બોગસ ખેડૂતો ઊભા કરી કરોડોની જમીન બારોબાર વેચી દેવાઈ
જિલ્લામાં ભૂમાફિયાઓના આતંક વચ્ચે
મૂળ ખેડૂતોએ ૭/૧૨ ચકાસ્યો તો ભાંડો ફૂટયો ઃ કોલવડાના ચાર સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો દાખલ કરાયો
ગાંધીનગર જિલ્લામાં જમીનના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે
ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે ભૂમાફીયાઓ પણ સક્રિય થયા છે અને ખેડૂતોની જાણ બહાર
તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી અથવા તો બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને જમીન બારોબાર
હડપ કરવામાં આવી રહી છે ત્યારે આવો જ એક કિસ્સો શહેર નજીક આવેલા કોલવડા ગામમાં
બનવા પામ્યો છે. જે સંદર્ભે સોમાજી અરજણજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી
હતી કે, તેઓ
છેલ્લા ૨૫ વર્ષથી મહેસાણાના જોરણંગ ગામમાં નિરમા કોલોનીમાં રહે છે. કોલવડા ગામમાં
આવેલી તેમની વડીલોપાર્જીત જમીન સર્વે નંબર ૧૫૩૫ પૈકી ૦૮૭-૦૧ હેક્ટર-આરે-ચોરસ મીટર
છે. જેના ૭/૧૨માં તેમના નામો હતા તે તેમની જાણ બહાર ૨૯ ઓગસ્ટ ૨૦૦૬ અને ૫ સપ્ટેમ્બર
૨૦૦૬ના રોજ સબ-રજીસ્ટ્રાર કચેરી ગાંધીનગર ખાતે આરોપીઓ દ્વારા બોગસ વ્યક્તિઓ ઉભા
કરીને દસ્તાવેજોમાં ખોટા ફોટા ચોંટાડીને અને ખોટી સહીઓ કરીને વેચી દેવામાં આવી
હતી. જેમાં કોલવડા ગામના ભાવનાબેન સવજીભાઈ દેસાઈ તે મુકેશભાઈ ગાંડાભાઈ રબારીની
પત્ની, મફાજી
ગણેશજી વાઘેલા (જેઓનું અવસાન થયું છે),
વિરમભાઈ જયરામભાઈ દેસાઈ અને ચેહરાજી ગાભાજી ઠાકોર સહિતના વ્યક્તિઓ સામેલ છે.
પ્રથમ દસ્તાવેજમાં કુલ ૧૭ સહ-હિસ્સેદારો પૈકી ૧૫ વ્યક્તિઓના નામ વેચાણ આપનાર તરીકે
દર્શાવવામાં આવ્યા હતા. આ દસ્તાવેજમાં સોમાજી અરજણજી ઠાકોર, કાળાજી જેણાજી
(મૃત્યુ પામેલા કાકા), જીવાજી
જેણાજી (કાકા), અરુણાબેન
જેણાજી (ફોઈ), અમરતબેન
અરજણજી (બહેન) અને ગંગાબેન અરજણજી (માતા,
જેઓનું અવસાન થયું છે) સહિતના કેટલાક વારસદારોના નામો સામે ખોટા ફોટા
ચોંટાડવામાં આવ્યા હતા. સોમાજીના પોતાના ફોટાની જગ્યાએ તેમના માસીના દીકરા ભરતભાઈ
આત્મારામનો ફોટો હતો. જે દસ્તાવેજના આધારે જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. હાલ
આ સંદર્ભે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં
આવી છે.