Gujarat

રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી

By GS TEAM
1 Jul 20252 mins read
રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી

- મહેમદાવાદના દેવકી વણસોલના ભાઈ, બહેન સામે ગુનો

- દસક્રોઈના બડોદરાના વ્યક્તિ સાથે ઠગાઈ : પાવર ઓફ એટર્નીથી અમદાવાદના શખ્સે વેચાણ દસ્તાવેજ કર્યો

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલમાં રહેતા ભાઈ, બહેને પોતાના ભાગની જમીનનો રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યો હતો. બાદમાં જમીનનો વેચાણ દસ્તાવેજ ન કરી આપી ત્રાહિત વ્યક્તિને પાવર ઓફ એટર્નીથી વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

દસક્રોઈ તાલુકાના બડોદરામાં રહેતા ધીરુભાઈ ચતુરભાઈ ઠાકોરને ખેતીની જમીન વેચાણ રાખવી હોવાથી દેવકી વણસોલમાં રહેતા જમીન દલાલ અર્જુનસિંહ રામસિંહ ચૌહાણ તેમજ વિજયભાઈ છોટાભાઈ ચૌહાણને વાત કરી હતી. જેથી તેઓએ ગામની સીમમાં આવેલી કુલસીંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન તે ચંદુભાઈ ચૌહાણની દીકરીએ પોતાની માલિકીની જમીન બતાવી હતી. જમીન પસંદ પડતા ઉચ્ચક રૂ.૨૫ લાખમાં વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું. મહેમદાવાદ સબ રજીસ્ટાર કચેરીમાં તા.૧૦/૮/૨૦૨૦ના રોજ રૂ. પાંચ લાખનો રજિસ્ટર્ડ બાનાખત કરાર કરી આપ્યો હતો. છ માસમાં જમીનનું વિભાજન કરી ટાઈટલ ક્લિયર કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. ત્યારબાદ ધીરુભાઈ ઠાકોર અવારનવાર જમીનનો દસ્તાવેજ કરી આપવાનું જણાવતા જમીન માલીકે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો ન હતો. એટલું જ નહીં જમીનના ભાવ વધારે મળે તેવા બદ ઇરાદાથી પ્રવીણભાઈ પરસોત્તમભાઈ વડોદરીયા રહે. સીટીએમ અમદાવાદને તા.૫/૫/૨૦૨૨ના રોજ પાવર ઓફ એટર્ની લખી આપ્યો હતો. પાવર ઓફ એટર્નીનો ઉપયોગ કરી પ્રવિણભાઈ વડોદરિયાએ તા.૧/૨/૨૦૨૩ના રોજ રૂ.૪૫ લાખનો પોતાના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. 

આમ જમીનના માલિક ફુલસિંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ તેમના બહેન રમીલાબેન બાનાખત પેટે આપેલા રૂપિયા પાંચ લાખ પરત ન આપી કે જમીનનો વેચાણ દસ્તાવેજ કરી ન આપી અન્ય વ્યક્તિને જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે ધીરુભાઈ ચતુરભાઈ ઠાકોરની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે ફુલસિંગ ચંદુભાઈ ચૌહાણ તેમજ રમીલાબેન ચંદુભાઈ ચૌહાણ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.