મેગા ટેક્સટાઇલ પાર્ક માટે નવસારીના વાસી ગામમાં જમીનનો સર્વે કરાયો
- GIDCને 96 લાખ ચોરસ મીટર સરકારી જગ્યા બતાવાઇઃ 40 લાખ ચો. મી જગ્યામાં પાર્ક સરળતાથી બની શકે તેવો ઉદ્યોગકારોના મત
- અગાઉ ભરૂચના કંટીયાજળ અને જંબુસર તથા સુરતના માંગરોળમાં સવે થયો હતો
સુરત
દિવાળી તહેવાર પૂર્વે કેન્દ્રીય મંત્રાયલ દ્વારા પ્રધાનમંત્રી મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક (પીએમ મિત્રા) પ્રોજેક્ટની જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અંતર્ગત પ્રથમ માંગરોળ ત્યાર બાદ ભરૂચના કંટીયાજાલ અને જંબુસર બાદ હવે નવસારીના વાસી ગામમાં અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોના મત મુજબ 96 લાખ ચોરસ મીટર સરકારી જમીન પૈકી 40 લાખ ચોરસ મીટર જગ્યામાં પાર્ક સરળતાથી આકાર લઇ શકશે.
કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં પ્રથમ પાર્ક માટે સુરતમાં મંજરી મળે તે માટે ઉદ્યોગકારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચેમ્બર ઓફ કોણ4સ દ્વારા અગાઉ જિલ્લા ક્લેક્ટર અને મ્યુનિસીપલ કમિશનરને સુરતમાં ટેક્સટાઇલ પાર્ક માટે જગ્યા ફાળવી આપવા માટે માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટ અંતર્ગત ટેક્સટાઇલની ઇકો સિસ્ટમ એટલે કે યાર્નથી લઇ કાપડ તૈયાર કરવાની તમામ પ્રક્રિયા જયાં થતી હોય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અંદાજે 1000 એકર કરતા વધુ જમીનનો અંદાજ છે. અગાઉ આ પ્રોજેક્ટ માટે ભરૂચના કંટીયાજાળ અને જંબુસર અને સુરતના માંગરોળમાં જમીન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
પરંતુ તાજેતરમાં નવસારીના વાસી ગામમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. વાસી ગામમાં 96 લાખ ચોરસ મીટર સરકારી જમીન જીઆઇડીસી વિભાગને બતાવવામાં આવી છે અને આ મુદ્દે આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. ઉદ્યોગકારોના મતે વાસી સુરતથી નજીક હોવાથી મેગા પ્રોસેસિગ એકમો સ્થાપવાનો માર્ગ મોકળો બનશે.