એનઆરઆઈ વૃદ્ધાના બોગસ પાવર ઓફ એટર્નીથી જમીન વેચી દીધી
- આણંદ તાલુકાના મોગરી ગામમાં
- કોર્ટે હુકમ કરતા 14 ગુંઠા જમીન વેચવા મામલે મોગરીના શખ્સ સહિત 7 વિરૂદ્ધ ગુનો
આણંદ પાસેના મોગરી ગામે રહેતા પ્રકાશભાઈ મગનભાઈ પટેલ તેમના કૌટુંબિક બેન અનિલાબેન અરવિંદભાઈ પટેલ વતી તેઓ પાવર ઓફ એટર્ની ધરાવે છે અને ૬૨ વર્ષીય અનિલાબેન પટેલ હાલ અમેરિકા ખાતે રહે છે. મોગરી ખાતે તેઓની ૧૪ ગુઠા જેટલી જમીન આવેલ છે જે જમીન વર્ષ ૧૯૭૦માં મનુભાઈ શીવાભાઈ નાનાભાઈ પટેલ પાસેથી તેઓએ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી.
છેલ્લા ઘણા વર્ષોથી અનિલાબેન પટેલ વિદેશમાં રહેતા હોવાથી મોગરી ગામે રૂપા ટેકરી વિસ્તારમાં રહેતા હિતેશભાઈ પ્રવીણભાઈ પટેલે વર્ષ ૨૦૦૯માં અનિલાબેનના ભળતાં નામની મહિલા ઉભી કરી પોતાના નામનો બોગસ પાવર ઓફ એટર્ની બનાવી લીધો હતો. પાવર ઓફ એટર્ની થયાની તારીખે અનિલાબેનની ભારતમાં હાજરી ન હોવા છતાં પણ એટર્ની કરાવી નવેમ્બર ૨૦૧૮માં કાંતિભાઈ શીવાભાઈ પટેલ રહે. મોગરી અને સતિષભાઈ મણીભાઈ પટેલ રહે. વડોદરાને આ જમીન રૂપિયા ૯.૬૦ લાખમાં વેચી દીધી હતી. સાક્ષી તરીકે અનિલભાઈ કાંતિભાઈ પટેલ રહે. મોગરી અને રાજેશભાઈ કાંતિભાઈ પટેલ રહે. મોગરીએ સહીઓ કરી હતી.
રજીસ્ટર કચેરીમાંથી દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરી તપાસ કરતા વેચાણ કરેલી જમીનની ખોટી નોંધણી કરાવી હોવાનું અને નોંધો પ્રમાણિત કરવા માટે જે તે રેવન્યુના અધિકારીએ ૧૩૫ ડીની નોટિસ પણ બજાવી ન હતી અને નોંધ પ્રમાણિત કરી હોવાનું જાણવા મળ્યું હતું. વેચાણ રાખનારે આ જમીન ઉપર મકાનોનું બાંધકામ પણ શરૂ કરી દીધું હતું.
જેથી આ અંગે કોર્ટે વિદ્યાનગર પોલીસને ગુનો નોંધવાનો હુકમ કરતા પોલીસે હિતેશભાઈ પ્રવીણભાઈ પટેલ, અનિલાબેનની જગ્યાએ હાજર થયેલ મહિલા, સાક્ષીમાં સહી કરનાર અનિલભાઈ પટેલ તથા રાજેશભાઈ પટેલ ઉપરાંત જમીન વેચાણ રાખનાર બંને શખ્સો મળી કુલ છ વ્યક્તિઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.