Get The App

શેરથામાં શ્રી નરસિંહજી મંદિરની જમીન બારોબાર વેચી દેવાઇ :૫૦૦ કરોડનું કૌભાંડ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
શેરથામાં શ્રી નરસિંહજી મંદિરની જમીન બારોબાર વેચી દેવાઇ :૫૦૦ કરોડનું કૌભાંડ 1 - image


ભુમાફિયા સાથે અધિકારીઓની મિલીભગતના આક્ષેપ સાથે ફરિયાદ

મંદિર ટ્રસ્ટની જમીન બચાવવા અભિયાન છેડાયુંઃશેરથામાં આજે મહારેલી અને જનઆક્રોશ સભાઃન્યાયિક તપાસની ઉગ્ર માંગણી

ગાંધીનગર :  ગાંધીનગર નજીક શેરથા ખાતે આવેલા શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટની આશરે રૃ. ૫૦૦ કરોડની કિંમતની ૩૭ એકર (૧૪૯૯૧૯ ચો.મી.)  જેટલી જમીનમાં કાયદા વિરુદ્ધનો મહેસૂલ હુકમ કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મંદિરના ટ્રસ્ટીઓ અને ગ્રામજનોએ ગુજરાતના મુખ્યમંત્રીને ન્યાયિક તપાસ કરાવીને ભૂમાફિયાઓના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અરજી કરી છે.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, સર્વે નં. ૭૧૬, બ્લોક નં. ૧૨૨૭ પૈકી, રી-સર્વે મુજબ ૬૩૮ અને ૭૦૭ નંબરની આ જમીન વર્ષ ૧૯૫૧-૫૨થી ટ્રસ્ટની માલિકી અને કબજામાં છે. આ જમીન બાબતે ગુજરાત મહેસૂલ પંચમાં ગણોત કેસ પણ પેન્ડિંગ છે.ટ્રસ્ટની અરજી મુજબ, આ કેસ પેન્ડિંગ હોવા છતાં તત્કાલિન મામલતદાર દ્વારા ભૂમાફિયાઓ સાથે મિલીભગત કરીને વર્ષ ૨૦૧૯માં કાયદા વિરુદ્ધનો હુકમ કર્યો હતો. આ હુકમથી, દેવસ્થાન ઈનામ નાબૂદી ધારાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને, જમીનના રેકોર્ડમાં જૂની શરતના કનિ ધારણકર્તાના વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા.

આ નામ દાખલ થતાની સાથે જ, વારસદારોએ તાત્કાલિક આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.જેને મામલતદારે મંજૂર પણ કરી દીધો હતો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, શ્રી નરસિંહજી મંદિર ટ્રસ્ટને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી કે ટ્રસ્ટને પક્ષકાર પણ બનાવવામાં આવ્યો ન હતો. ટ્રસ્ટના આક્ષેપ મુજબ, તત્કાલિન મામલતદાર અને આ વેચાણ લેનારાઓએ ખોટા હુકમો કરીને મંદિરની ૩૭ એકર જમીનને ખાનગી માલિકીની ઠેરવી રૃપિયા ૫૦૦ કરોડનું કૌભાંડ આચર્યું છે.

ટ્રસ્ટનો કાયદાકીય સંઘર્ષ અને ન્યાયની અપેક્ષા

આ જમીન પર પહેલેથી જ ટ્રસ્ટનો કબ્જો છે ત્યારે મામલતદાર, વચેટિયાઓ અને વેચાણ લેનારાઓએ જમીનનો કબજો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રામજનોને આ વાતની જાણ થઈ હતી. ત્યારબાદ, ટ્રસ્ટે તાત્કાલિક સક્ષમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ કેસના પરિણામે, કલેક્ટર દ્વારા વેચાણ દસ્તાવેજોની નોંધો નામંજુર કરવામાં આવી હતી. જોકે, મહેસૂલ વિભાગના સચિવ (વિવાદ)ની કોર્ટમાં વેચાણ લેનારાની તરફેણમાં મનાઈ હુકમ સ્ટે આપવામાં આવ્યો છે.

Tags :