ખેડા જિલ્લાની વાત્રક, મેશ્વો અને મહી નદીમાં ભૂમાફિયાઓનું રાજ
- નડિયાદની શેઢી નદીમાં પણ ખનન મુદ્દે વારંવાર રજૂઆત
- મહેમદાવાદ, ઠાસરા, ગળતેશ્વર, ખેડા, માતર તાલુકાઓ ગેરકાયદે ખનન માટે હોટસ્પૉટ
ખેડા જિલ્લામાંથી ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાંથી મહીસાગર નદી પસાર થાય છે. આ સિવાય ખેડા, માતર અને મહેમદાવાદમાં વાત્રક નદી અને મહેમદાવાદમાં મેશ્વો નદી પસાર થાય છે. નડિયાદમાંથી શેઢી નદી પસાર થાય છે. ઠાસરા અને ગળતેશ્વર એવા સ્પોટ છે, જ્યાં મહીસાગર નદીને અડીને આવેલા બંને તાલુકાના ગામોમાંથી ખનન માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે. ઠાસરાના રાણિયા ગામમાં તો અનેક ગેરકાયદે રેતીની લીઝ આવેલી છે. ગળતેશ્વરના ગામોમાં પણ માટીથી માંડી અને અન્ય ખનીજની બેફામ ચોરી કરાઈ રહી છે. આ તરફ વાત્રક નદીમાં ખેડા અને મહેમદાવાદ ઉપરાંત માતર તાલુકામાં ખનન માફીયાઓ બેફામ રીતે ખોદકામ કરી રહ્યા છે. અનેક નદીઓમાં મંજૂરી વિના જ હીટાચી અને જેસીબી જેવા મશીનો ઉતારી ડમ્પરો દ્વારા માટી ખોદકામ કરી બારોબાર વેચી નાખવામાં આવી રહી છે. આ સિવાય મહેમદાવાદના કનીજ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં આવા ગેરકાયદેસર ખોદકામ થકી ઉંડો ખાડો કરી નખાયો હતો અને તેના પરીણામે ૬ બાળકોના કરૂણ મોત થયા છે. તો નડિયાદમાં શેઢી નદીમાં પણ અનેકવાર ગેરકાયદેસર ખોદકામ સામે રજૂઆતો થઈ છે.
તાલુકા મુજબ ખનનના હોટસ્પોટ ધરાવતા ગામો
મહેમદાવાદમાં બારના મુવાડા, જરાવત, પથાવત, વાઘાવત, હલધરવાસ, કોઠીપુરા, સરસવણી, મોદજ, માંકવા, ખાત્રજ, મહેમદાવાદ, વિરોલ. ખેડા અને માતર તાલુકામાં વાત્રક અને શેઢી નદીમાં રઢુ, ખેડા, ખેડા કેમ્પ, સોખડા ભાઠા, હરિયાળા ભાઠા, વાસણા, અસમાલી, વૌઠા-પાલ્લા. ઠાસરા અને ગળતેશ્વર તાલુકામાં રાણીયા, પાલી, ગળતેશ્વર સહિતના ગામો. કપડવંજમાં વાત્રક નદીમાં ઉત્કંઠેશ્વર મહાદેવ, વાઘજીપુર, કઠલાલમાં વાઘાવત, નડિયાદમાં બિલોદરામાં ગેરકાયદેસર ખનનની પ્રવૃતિઓ ફૂલી ફાલી છે.
ગેરકાયદે ખનનના વાહનોની હેરાફેરી માટે ચોક્કસ કોર્ડવર્ડ
આ તરફ ગેરકાયદેસર ખનન પ્રવૃતિ સાથે સંકળાયેલા વાહનોની હેરાફેરી માટે ચોક્કસ કોર્ડવર્ડ રાખવામાં આવે છે. ટ્રાફિક પોલીસ હોય કે સ્થાનિક પોલીસ, આ કોર્ડવર્ડ થકી ખનનના વાહનોને જાહેર માર્ગો પરથી કોઈ પણ જાતની તપાસ વિના જવા દેવાય છે. દરેક ખનન માફિયાનો કોર્ડવર્ડ અલગ હોય છે.