Get The App

મુળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
મુળીના સરામાં 40 વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો 1 - image

ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ

પશુપાલક ગૌચરમાં માલઢોર ચરાવવા જાય તો ભૂમાફિયાઓ ધમકી આપતા હોવાની ફરિયાદ

સુરેન્દ્રનગર -  મુળીના સરામાં ૪૦ વર્ષથી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. પશુ પાલકો ગૌચરમાં માલઢોર ચરાવવા જાય તો ભૂમાફિયાઓ ધમકી આપતા હોવાની ફરિયાદ સાથે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામની સીમમાં સરકારી ગૌચર જમીન પર વધી રહેલા ગેરકાયદેસર દબાણો સામે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ બાબતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ મૂળી મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. માલધારીઓએ આક્ષેપ કર્યો છે કે ગામના જ અમુક માથાભારે શખ્સોએ ગૌચરની જમીન પર કબ્જો જમાવી પશુઓને ચરવા દેવામાં અવરોધ ઉભો કર્યો છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, દબાણકર્તાઓએ છેલ્લા ૪૦ વર્ષથી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર વાવેતર, વાડી, બોર અને વીજ કનેક્શન પણ મેળવી લીધા છે. જો કોઈ પશુપાલક ત્યાં માલઢોર ચરાવવા જાય તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. ગ્રામજનોએ આ માથાભારે તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી સત્વરે ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માંગ કરી છે, અન્યથા આગામી દિવસોમાં ઉગ્ર લડતની ચીમકી ઉચ્ચારી છે.