હપ્તાની રકમ વધારી ખનન શરૃ કરાવવાની વેતરણ
ભૂમાફિયાઓને કેટલાક અધિકારીઓ-રાજકીય આગેવાનોએ ઓફર આપી હોવાનો પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યનો આક્ષેપ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ.ડી.ના દરોડા બાદ વહીવટી તંત્રમાં મોટા ફેરફારોની અટકળો વચ્ચે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ત્વિક મકવાણાએ ગંભીર આક્ષેપો કરતા રાજકારણ ગરમાયું છે. તેમણે દાવો કર્યો છે કે પ્રામાણિક અધિકારીઓની જિલ્લા બહાર બદલી કરાવી ફરીથી ગેરકાયદેસર ખનન શરૃ કરાવવા માટે ભૂમાફિયાઓ અને કેટલાક રાજકીય નેતાઓ સક્રિય થયા છે.
પૂર્વ ધારાસભ્યના આક્ષેપ મુજબ, ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે છેલ્લા ઘણા સમયથી ચોટીલા, મૂળી અને થાન પંથકમાં કરોડો રૃપિયાની ખનીજ ચોરી ઝડપી પાડી છે. આ કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ છે. હવે ઈ.ડી.ના દરોડાનો લાભ લઈ, વહીવટી ફેરફારના બહાને આ પ્રામાણિક અધિકારીની જિલ્લા બહાર બદલી કરાવી નાખવા માટે કેટલાક અધિકારીઓ અને રાજકીય આગેવાનોએ ભૂમાફિયાઓને ઓફર આપી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરાયો છે.
ત્વિક મકવાણાએ વધુમાં આક્ષેપ કર્યોે છે કે ગેરકાયદેસર ખનન ફરી શરૃ કરાવવા માટે હપ્તાખોરીનું નવું ગણિત ગોઠવવામાં આવી રહ્યું છે. અગાઉ કાર્બોેસેલના એક કૂવા દીઠ લેવાતો રૃ.૧.૫ લાખનો માસિક હપ્તો વધારીને રૃ.૨ લાખ કરવાની શરતે ફરી ખનન શરૃ કરવાની ખાતરી અપાઈ રહી છે. જો આ બદલી થશે તો જિલ્લામાં ફરી ખનીજ ચોરીનો રાફડો ફાટશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ આક્ષેપોને પગલે જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.


