ચોટીલા પ્રાંત અધિકારીની બદલી અંગેની ભૂમાફિયાની ઓડિયો ક્લિપ વાઇરલ
'૫૫૫૫ ટૂંક સમયનો મહેમાન, દિલ્હી સુધી જઇ આવ્યો'
ઓડિયો ક્લિપ પાયાવિહોણી અને ગેરમાર્ગે દોરવા વાઇરલ કરવામાં આવી છે, કડક કાર્યવાહી કરાશેઃ પ્રાંત અધિકારી
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગરના ચોટીલા અને થાન વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક કાર્યવાહી કરનાર પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણીની બદલી અંગેની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં એક વ્યક્તિ કહે છે કે '૫૫૫૫ ટૂંક સમયનો મહેમાન છે'. બીજો વ્યક્તિ જણાવે છે કે તે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે. પ્રાંત અધિકારીએ વાઇરલ ક્લિપ અંગે જણાવ્યું કે લોકોને ગેરમાર્ગે દોરવા ઓડિયો ક્લિપ વાઇરલ કરવામાં આવી છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે ત્યારે તાજેતરમાં ચોટીલા અને થાન તાલુકામાં ભુમાફીયાઓ સામે કડક કાર્યવાહી કરનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની બદલી અંગે વાતચીત અંગેની બે કથીત ઓડીયો ક્લીપ વોટ્સએપ ગુ્રપમાં વાઇરલ થઈ છે. જેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિને ફોન પર ૫૫૫૫ ટુંક સમયના મહેમાન છે તેમજ જણાવે છે. જ્યારે બીજો વ્યક્તિ કહે છે દિલ્હી અને ગાંધીનગરની મુલાકાત લઈ આવ્યો છે. આમ બંને વ્યક્તિ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાની ટૂંંક સમયમાં બદલી થવાની છે તેવો દાવો કરી રહ્યાં છે.
આ મામલે ચોટીલા પ્રાંત અધિકારી હરેશ ટી મકવણા (એચ.ટી.મકવાણા)એ કહ્યું હતું કે ભૂમાફિયાઓ વોટ્સઅપમાં ગુ્રપ બનાવી સરકારી અધિકારીઓની માહિતી અને લોકેશન શેર કરી રેકી કરે છે. કથિત વાઇરલ ઓડિયો ક્લિપમાં કોઈ તથ્ય નથી બસ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવી રહ્યાં છે. આ ઓડિયો ક્લિપ વાઇરલ કરનાર સામે કડક કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી ચોટીલા, મુળી, થાન સહિતના તાલુકાઓમાંથી મોટાપાયે ગેરકાયદેસર ખનીજચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓને કરોડો રૃપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અધિકારીની બદલી કરવા ભૂમાફિયાઓ હાથપગ પછાડી રહ્યાં હોય તેવી ચર્ચાઓએ જોર પકડયું છે.