ચોટીલાના પીપળીયા(ઢોરા) ગામના બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
- સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરતા
- ચોટીલા મામલતદારે લેન્ડ ગ્રબિંગ એક્ટ હેઠળ નાની મોલડી પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં સરકારી તેમજ ખાનગી જમીનોમાં ગેરકાયદેસર કબ્જો અને દબાણના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા તાલુકાના પીપળીયા (ઢો) ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર કબ્જા અંગે ચોટીલા મામલતદારે બે શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ચોટીલા તાલુકાના પીપળીયા (ઢોરા)ની સરકારી જમીનના સર્વે નંબર ૩૩૭માં ગામમાં જ રહેતા બે શખ્સો વલ્લભભાઈ મેરામભાઈ રોજાસરા અને સુખાભાઈ મેરામભાઈ રોજાસરા દ્વારા અંદાજે ૧૨૦ ચો.મીટર તેમજ પાકું મકાન અંદાજે ૮૦ ચો.મી. તથા પાકા કુવાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું છે અને ખેતી તેમજ બિનખેતી મળી અંદાજે ૧ હેકટરથી વધુ ગેરકાયદેસર દબાણ કરેલ છે જ્યારે સુખાભાઈ મેરામભાઈ દ્વારા હેકટર ૦-૩૧-૩૪ ચો.મી. જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી સરકારી સર્વે નંબર ૩૩૭ ઉપર ગેરકાયદેસર કબ્જો કરેલ છે જે અંગે સ્થળ પર ચોટીલા મામલતદાર સહિતની ટીમ દ્વારા તપાસ કરતા ગેરકાયદેસર દબાણ અને કબજો હોવાનું જણાઈ આવતા બંને શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નાની મોલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.