કરોડોની જમીનો પડાવવાનો ખેલ કરનાર ગુનેગાર ઝડપાયો : નરોડા, દસક્રોઈ, ધોળકાના ખેડૂત બન્યા હતા ભોગ
કણભા પોલીસ સ્ટેશનમાં 1.45 કરોડની જમીન પડાવવાનો કેસ નોંધાયા બાદ આરોપીએ વધુ બે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું
આરોપી મિહિરે નડીયાદ અને બોપલમાં પણ જમીનના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓ આચરેલ હોવાનુ સામે આવ્યું
સાણંદ, તા.21 ફેબ્રુઆરી-2023, મંગળવાર
ભોળા અને અભણ ખેડૂતોના અંગૂઠા લઈ જમીન પચાવી પાડનાર શખસની અમદાવાદ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત આરોપીના ગુનાઓની કુંડળી સામે આવતા તેણે આવા અનેક ગુનાઓ પણ આચર્યા હોવાનું સામે આવ્યું છે. દરમિયાન કણબા પોલીસ સ્ટેશનમાં આરોપી મિહિર મનસુખભાઈ પટેલ (રહે.બી/૧૦ શાંતિનગર સોસાયટી કલિકુંડ તા.ધોળકા જી.અમદાવાદ) વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી ધર્મેન્દ્ર ભીખાભાઈ પટેલે આરોપી મિહિર સામે તેઓને વિશ્વાસમાં લઈ ભાડા કરાર કરવાના બહાને અંગૂઠા અને સહી આધારે ખોટુ નોટરાઈઝ બાનાખત બનાવેલ બાબતેની ફરીયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરતા નાસતા-ફરતા આરોપી મીહીરને એસ.ઓે.જી શાખા અમદાવાદ ગ્રામ્યએ પકડી પાડ્યો હતો અને તેની સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કડક કાર્યવાહીમાં આરોપી પોપટની જેમ ગુનાઓ બોલવા લાગ્યો
આ કેસમાં પોલીસે પુછપરછ કરતા આરોપી મિહિર પોપટની જેમ બોલવા લાગ્યો હતો અને તેણે પોતે ધર્મેન્દ્ર પટેલની જમીન પચાવી પાડવાના આશયથી ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસે ભાડા કરાર કરવાનુ કહ્યું હતું અને ટાઇપ કરાવેલ ભાડા કરારની નકલ લઇ જઇ ભાડા કરારના છેલ્લા પાને તથા નોટરીના રજીસ્ટરમાં ખેડુતોની સહી તથા અંગુઠા લીધા હતા. ત્યારબાદ આરોપીએ આ ભાડા કરારના આગળના પાના ફાડી નાખી છેલ્લા પાનાનો ઉપયોગ કર્યા બાદ ખેડુતની જમીનના કાગળોની જાણકારી મેળવી હતી અને તેના આધારે તેણે ભાડા કરારના સહી વાળા છેલ્લા પાનાનો ઉપયોગ કરી બનાવટી નોટરાઇઝ બાનાખત બનાવેલ હોવાનુ કબુલાત કરી હતી.
આરોપી મિહિરે એક નહીં અનેક ગુનાઓ આચર્યા
સદરી આરોપીએ અનેક ભોળા ખેડુતોની જમીન પચાવી પાડવા સારૂ અલગ અલગ જગ્યાએ નડીયાદ તથા બોપલ ખાતે પણ આવા જમીના ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનાઓ આચરેલ હોવાનું બહાર આવ્યું હતું. અભણ અને ગરીબ ખેડુતોને વિશ્વાસમાં લઇ આરોપીએ તેઓની સાથે કરેલ છેતરપીંડી બાબતે આગળ આવી ફરીયાદ કરવાનું જણાવતા અત્રેના કણભા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધમાં અનેક રજુઆતો મળી હતી. જેને ધ્યાને લઇ આરોપી મીહીર પટેલ સામે બીજા બે ગુનાઓ દાખલ કરાયા..
1.45 કરોડની જમીન 1 લાખમાં પડાવવાનો કારસો
આરોપીએ મોજે બિલાસિયા ગામની સીમની જમીન બાબતે ભોગ બનનાર ખેડુત જગદીશભાઇ શિવાભાઇ પટેલ (રહે.મકાન નં.૪૦ કૃષ્ણકુંજ સોસાયટી કઠવાડા રોડ નરોડા અમદાવાદ)ની મોજે પરઢોલ ગામની જમીન એક કરોડ પીસ્તાલીસ લાખમાં વેચાણ લેવાની વાત કરી હતી અને ખેડુતને કહેલ કે, તમારી જમીનમાં તમારૂ નામ જગાભાઇ ચાલતુ હોય જેથી તમારૂ નામ અલગ હોય તમારે એક એફીડેવીટ આપવુ પડશે. આરોપી મિહિરે એમ કહી ખેડુતના આધાર કાર્ડની નકલ લઇ ખેડુતને બે ત્રણ દિવસ પછી બોલાવી ખેડુતને રૂપિયા એક લાખનો ચેક આપી ખેડુતને ચેક ખાતામાં ભરવા કહ્યો હતો અને ત્યારબાદ ખેડુતને તમારૂ એફીડેવીટ કરાવવાનુ છે તેમ કહી એક ચોપડો આપી ચોપડામાં તથા કાગળોમાં ખેડુતની સહી તથા અંગુઠો લઈ લીધેલ હતો. ત્યારબાદ આશરે ત્રણેક મહીના પછી આરોપી મીહીર પટેલે ખેડુત ઉપર દાવો દાખલ કરી દીધેલ હતો અને ખેડુતે વકીલ રોકી તપાસ કરાવતા જાણવા મળેલ કે, મિહિરે તેઓની જાણ બહાર તેઓની પરઢોલ ગામની જમીન વેચાણ લેવાનુ કહીને મોજે બિલાસિયા ગામની જમીનનો જાણ બહાર નોટરી બાનાખત કરી લીધેલ હતો. જે અંગે કણપા પોલીસ સ્ટેશનમાં આરોપી મિહિર સામે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.
મિહિરે એણાસણ ગામની જમીનનો પણ ખોટીરીતે બાનાખત બનાવડાવ્યો
આરોપી મીહીર પટેલે મોજે એણાસણ ગામની જમીન બાબતે આ કામે ભોગ બનનાર ખેડુત કાંતિજી બબાજી ઠાકોર (રહે.એણાસણ ગામ આંબાવાડી, તા.દસક્રોઇ જી.અમદાવાદ)ને તેઓના નામે જમીન લેવાનુ કહ્યું હતું. કાંતિજી ઠાકોર ભણેલા ન હોવાથી મિહિરે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. મિહિરે કાંતિજીના ખાતામાં થોડા પૈસા નાખી પોતે જ ઉપાડી લીધા હતા. ત્યારબાદ તેમનાના આધાર કાર્ડની નકલ લઈ તેમને વિશ્વાસમાં લીધા હતા અને આરોપી મીહીરે કાંતિજીને તેઓના નામનો દસ્તાવેજ કરવાનો કહી વસ્ત્રાલ મામલતદાર કચેરી ખાતે લઇ ગયા હતા. જ્યાં આરોપી મિહિરે ખેડુત કાંતિજીને પોતાના વિશ્વાસમાં લઈ રજીસ્ટ્રાર સમક્ષ ઉભા રાખી કહ્યું હતું કે, તમને રજીસ્ટ્રાર જે પુછે તેનો જવાબ હામાં આપવાનો છે. કાંતિજી ભણેલા ન હોવાથી તેમણે પણ મિહિરની વાતોમાં આવી રજીસ્ટ્રાર ઓફિસમાં જવાનો હામાં આપતા તેમની એણાસણ ગામની જમીનનો આરોપીએ રજીસ્ટર બાનાખત કરાવી લીધેલ હતો. આ કેસમાં પણ મિહિર સામે કણપા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
મિહિર પટેલ અને તેની ગેંગ સામે છ જેટલી ફરિયાદો
જમીનમાં ખૂબ જ તેજી આવતા શોર્ટકટ માં કરોડપતિ થવા માટે કેટલાક અસામાજિક તત્વો હવે લોકોને લોભામણી લાલચ આપીને જમીનો પચાવી પાડવા માટે આખે આખી ગેંગો સક્રિય થઈ ગઈ છે. આવી જ એક ગેંગના માસ્ટરમાઈન મિહિર મનસુખભાઈ પટેલ કણભા પોલીસે ધરપકડ કરી છે. મિહિર પટેલ અને તેની ગેંગે અમદાવાદની આસપાસ આવેલા બીલાસિયા કણભા બોપલ તેમજ નડિયાદના કેટલાય લોકોને સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી હોવાની છ જેટલી ફરિયાદો અમદાવાદ રેન્જ આઈ જી પી ચંદ્રશેખર ના વિસ્તારમાં નોંધાઈ છે.