ખંભાતના વાડોલા ગામમાં જમીન પચાવી પાડનાર 4 શખ્સો સામે 'લેન્ડ ગ્રેબિંગ'

- જિલ્લા કલેક્ટર કચેરીમાં કરેલી અરજીની તપાસ બાદ
- ખંભાત કોર્ટે માત્ર છાપરા પૂરતો મનાઈ હુકમ કર્યો છતાં જમીન ઉપર કબજો જમાવ્યો હોવાનો આક્ષેપ
આણંદ : ખંભાત તાલુકાના વાડોલાના શિવરામપુરાના એક જ પરિવારના ચાર શખ્સોએ ગામના જ એક શખ્સની સંયુક્ત માલિકીની જમીનમાં ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ સાથે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.
મૂળ ખંભાતના વાડોલાના શિવરામપુરાના રહેવાસી અને હાલ વિદ્યાનગર ખાતે રહેતા વજેસિંહ રામસિંહ ચૌહાણની વાડોલા ખાતે જમીન આવેલી છે. આ જમીન તેઓના પિતા તથા કાકાના નામે બોલે છે. વર્ષ ૧૯૯૯માં રામબેન પરમાર પાસેથી તેઓના પિતા રામભાઈ ચૌહાણે આ જમીન વેચાણે રાખી હતી. તે સમયે જમીનના છેવાડે જીવતબેન મૂળજીભાઈ પરમાર છાપરું બનાવીને રહેતા હતા. જેથી છાપરું ખાલી કરી જતા રહેવાનું કહેતા જીવતબેને ખંભાત કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં કોર્ટે છાપરા પૂરતો મનાઈ હુકમ કર્યો હતો તેમ છતાં જીવતબેન અને તેમના ભાઈઓએ જમીન ઉપર કબજો કરી જમીન ખેડવા દીધી ન હતી. જમીન ખેડવા જતા જીવતબેન અને તેમના ભાઈ, ભત્રીજાઓએ તેમને અટકાવી જમીન ખેડવા આવવું નહીં તેમ કહી મારા મારી કરતા આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં વર્ષ૨૦૦૦માં ફરિયાદ પણ નોંધાઈ હતી. ત્યારબાદ જીવતબેન સાથે દાવા બાબતે કોર્ટમાં સમાધાન થઈ ગયું હોવા છતાં તેમના ભાઈઓ અરવિંદભાઈ રામાભાઇ પરમાર, રાવજીભાઈ મૂળજીભાઈ પરમાર, સોમાભાઈ મૂળજીભાઈ પરમાર અને રમેશભાઈ સોમાભાઈ પરમારે જમીનનો કબજો આપ્યો નહોતો. આખરે વજેસિંહ ચૌહાણ આ મામલે જિલ્લા કલેકટર કચેરીમાં અરજી કરી હતી જેની તપાસમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો બનતો હોવાથી અરવિંદભાઈ રામાભાઇ પરમાર, રાવજીભાઈ મૂળજીભાઈ પરમાર, સોમાભાઈ મૂળજીભાઈ પરમાર અને રમેશભાઈ સોમાભાઈ પરમાર વિરૂદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાનો હુકમ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.








