Get The App

ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
ખેડાના વાસણાબુર્જંગમાં કરોડોની જમીન પચાવી પાડનારા 4 સામે લેન્ડ ગ્રેબિંગ 1 - image

- એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 

- જમીનની અડીને જ જમીન ધરાવતા શખ્સોએ કબજો જમાવ્યો હતો, ખેડા ટાઉન પોલીસે કાર્યવાહી હાથ ધરી 

નડિયાદ : ખેડા તાલુકાના વાસણાબુર્જંગ ગામની સીમમાં આવેલી ખેતીની કિંમતી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી જમીન પચાવી પાડનારા ચાર શખ્સો વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જમીન માલિકને પોતાની જ જમીન પર ખેતી કરતા રોકી એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આ શખ્સો સામે કલેક્ટર દ્વારા તપાસના અંતે ગુનો નોંધવા હુકમ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ નાયબ પોલીસ અધીક્ષકને સોંપી છે.

ખેડા ટાઉન વિસ્તારના માળીવાડના ખાંચામાં રહેતા ભરતભાઈ બચુભાઈ દલવાડીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વાસણાબુર્જંગ ગામમાં સર્વે નંબર ૪૬૩ પૈકીની જમીન તેમના માતા કમુબેને વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. માતાના અવસાન બાદ આ જમીનમાં ભરતભાઈ સહિત અન્ય વારસદારોના નામ વારસાઈ હકથી દાખલ થયા હતા. જોકે આ જમીનની અડીને જ જમીન ધરાવતા અશોકભાઈ આતાભાઈ પરમાર, ઘનશ્યામભાઈ અશોકભાઈ પરમાર, રવિકાંત અશોકભાઈ પરમાર અને રાકેશ અશોકભાઈ પરમારે વર્ષ ૨૦૨૦થી આ જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. તેઓ જમીન માલિકને જમીન પર આવતા અટકાવી ખેતી કરવા દેતા નહોતા અને જો તેઓ જમીન પર જાય તો ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. આ મામલે કલેક્ટર કચેરીમાં કરવામાં આવેલી લેન્ડ ગ્રેબિંગની અરજી બાદ કમિટી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં આ શખ્સોએ બિનઅધિકૃત રીતે જમીન પચાવી પાડી હોવાનું જણાતા કલેક્ટરે ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાનો આદેશ કર્યો હતો. આ હુકમના આધારે ખેડા ટાઉન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.