સરકારના કબજામાં જવાને પાત્ર જમીનમાં મંજૂરી વિના ચાલતું બાંધકામ અટકાવ્યું

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
વેજલપુર તાલુકાના મકરબા વિસ્તારની સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ના વેચાણ અંગેના સોદાને માન્યતા મળે તેમ ન હોવાનું જણાવતો મામલતદારનો ચૂકાદો આવ્યો હોવા છતાંય આ જમીન પર આજે કોઈપણ જાતની ધાસ્તી વિના ચાલી રહેલા બાંધકામને અટકાવી દેવાનો આદેશ કરતી નોટિસ અમ્યુકોની દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ ડિપાર્ટમેન્ટની કચેરીએ આજે બપોર પછી લગાવી દતતા બાંધકામ અટકાવી દેવાની ફરજ પડી છે. આ જમીન પર અતિવૈભવી બંગલાઓ બનાવવામાં આવી રહ્યા છે. મકરબાની ૨૬,૪૦૦ ચોરસ મીટરની જમીનના વેચાણનો સોદો વિવાદમાં પડયો છે.
અમ્યુકોના એસ્ટેટ વિભાગે આજે લગાવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે અમ્યુકોના દક્ષિણ પશ્ચિમ ઝોનના વોર્ડ નંબર વોર્ડ નંબર સરખેજ-૨માં ડ્રાફ્ટ ટી.પી. નંબર ૨૦૪ની રેવન્યુ સરવે નંબર ૫૭૪ હેઠળ આવેલી ૨૪ ગુર્જરી સોસાયટીમાં બાંધકામ કરનાર, બાંધકામ કરાવનાર જમીન માલિક સુનિલ મહેશ્વરી બિનપરવાનગીના બાંધકામને ૨૬૭, ૨૬૦(૧) અને ૨૬૦(૨) મુજબ નોટિસ આપવામાં આવી છે. અગાઉ ૨૭મી જુલાઈ ૨૦૨૪ના રોજ પર સીલ કરવામાં આવી હતી, પરંતુ સીલ દૂર કરીને પુનઃ બાંધકામ શરૃ કરવામાં આવ્યું હતું. આ કામ અટકાવવા માટે આજે ૫મી જુલાઈ ૨૦૨૫ના નવેસરથી સીલ લગાવવામાં આવ્યું છે. આ બાંધકામ ચાલુ કરવા માટે યોગ્ય પરવાનગી પણ અમ્યુકોના એસ્ટેટ વિભાગ પાસેથી લેવામાં આવી નહોતી.
આ જગ્યામાં કોઈ પણ પ્રવેશ કરે નહિ અથવાી તો કોઈ પ્રવેશ કરવાનો પ્રયાસ કરે તો તેમને પ્રવેશ કરવા દેવો નહિ તેવી સૂચના આપવામાં આવી છે. તેમ છતાંય કોઈ આ જગ્યામાં પ્રવેશીને સીલની અવગણના કરીને બાંધકામ કરવામાં આવશે તો તેમની જવાબદારી રહેશે. અમ્યુકો તેમની સામે કલમ ૨૨૩ હેઠળ પોલીસ કાર્યવાહી કરશે. અમ્યુકોના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરની સહીથી આ નોટિસ આપવામાં આવી છે.
મકરબાના સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ની જમીન વેચાણથી રાખનાર સુભાષ શાહ, નિમેષ ચુડકર, પાર્થ પરીખ, દેવેન્દ્ર પટેલ, જ્યેોતિન્દ્ર ત્રિવેદી અને જિજ્ઞોશ શાહ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી તબદિલીનો વહેવારને મામલતદારેે ગણોતધારાની કલમ ૨(૨) અને કલ ૬૩(૧)ના ખંડ ક, ખ અને ગની જોગવાઈઓના ભંગ સમાન ગણીને તેને અમાન્ય ઠેરવવાનો નિર્દેશ તેના ઓર્ડરમાં આપી દીધો છે. જમીન ખરીદનારની તરફેણમાં ટ્રાન્સફર થઈ શકતી ન હોવાથી છ જણને અંદાજે જંત્રીના મૂલ્યના ત્રણ ગણી રકમનો દંડ કરવામાં આવ્યો છે. ત્રણ ગણા દંડની રકમ જમા ન કરાવે તો આ જમીન ફરીથી સુધા પરીખને નામે થઈ શકે છે.








