Gujarat

મામલતદારે વેચાણ નોંધ નામંજૂર કરતા ૨૬,૪૦૦ ચો.મી.જમીન શ્રીસરકાર થશે

By GS TEAM
2 Jul 20252 mins read
મામલતદારે વેચાણ નોંધ નામંજૂર કરતા ૨૬,૪૦૦ ચો.મી.જમીન શ્રીસરકાર થશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

વેજલપુર તાલુકાના મકરબા વિસ્તારની સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ વેચાણથી રાખનાર સુભાષ શાહ, નિમેષ ચુડકર, પાર્થ પરીખ, દેવેન્દ્ર પટેલ, જ્યેોતિન્દ્ર ત્રિવેદી અને જિજ્ઞોશ શાહ ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી તબદિલીનો વહેવાર ગણોતધારાની કલમ ૨(૨) અને કલ ૬૩(૧)ના ખંડ ક, ખ અને ગની જોગવાઈઓના ભંગ સમાન છે. તેથી ખરીદનારની તરફેણમાં આ જમીન ટ્રાન્સફર થઈ શકતી ન હોવાથી આ જમીન ખરીદનારા છ જણને અંદાજે જંત્રીના મૂલ્યના ત્રણ ગણો એટલે કે એક અંદાજ પ્રમાણે રૃા. ૨૪૦ કરોડથી વધુ રકમનો દંડ પણ કરવામાં આવ્યો છે. 

તેની સાથે જ હુકમની તારીખથી ૩૦ દિવસના ગાળામાં જમીનના જંત્રીના મૂલ્યના ત્રણ ગણી રકમનો દંડ ન ભરે તો જમીનના વેચાાણના સોદાથી માલિકીની તબદિલી કરવાના કરવામાં આવેલા નિર્ણય પૂર્વેની સ્થિતિમાં એટલે કે મૂળ માલિકના નામે જમીન ફરીથી જમીન ટ્રાન્સફર કરી દેવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે. આ જમીનનું વર્તમાન બજાર મૂલ્ય રૃા. ૪૫૦ કરોડની આસપાસનું હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આમ મામલતદાર અને કૃષિ પંચના હુકમ મુજબ મકરાબાના સરવે નંબર ૫૫૧ અને ૫૭૪ની અંદાજે ૨૬૦૪૬ ચોરસ મીટર જમીનને શ્રીસરકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આા જમીનને સીલ મારવાનું કે તેના પર ચાલી રહેલા બાંધકામની કામગીરી અટકાવવાના કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. જમીન ખરીદનાર દંડની રકમ ન ચૂકવે તો જમીન તેના મૂળ માલિક સુધા પરીખને મળી શકે છે.

વેજલપુરના મામલતદાર અને કૃષિ પંચે ૨૦મી મેએ કરેલા અને પહેલી જુલાઈ ૨૦૨૫ના પ્રમાણિત-સર્ટિફાય કરવામાં આવેલા ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે જમીન ખરીદનારા ખેડૂત ખાતેદાર હોવાના પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી ગુર્જરી ખેતી સહકારી મંડળી અને ગુર્જરી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ખેડૂત ખાતેદાર જણાતી નથી. તેથી ખેતીની જમીનની માલિકીના તબદિલીના વહેવાર મંડળીની તરફેણમાં થયેલા જણાતા નથી. તેથી કાયદેસર રીતે જમીન તબદિલ થઈ શકતી નથી. પરિણામે જમીન ધારણ કરનારાઓને જમીનની જંત્રીની કિંમતની ત્રણ ગણી રકમનો દંડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. હુકમની તારીખથી ત્રણ મહિનાની અંદર દંડની રકમ જમા ન કરાવે તો વેચાણના સોદાને રદ કરવામાં આવશે. 

ઓર્ડર કરનાર મામલતદાર એચ.એસ. જાડેજા સાથે આ મુદ્દે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે તેમનો ઓર્ડર થયા પછી બે મહિનાનો ગાળો પક્ષકારને અપીલ કરવા માટે આપવામાં આવે છે. બે મહિનામાં પાર્ટી કોઈ જ પગલાં ન લે તો ઓર્ડર રિવ્યુમાં લેવાય છે અને ત્યારબાદ ફાઈનલ ઓર્ડર જાહેર કરવામાં આવે છે. આ મુદત પૂરી થવાને હજી પંદરથી સત્તર દિવસ બાકી છે.