Get The App

લલ્લા બિહારીની બાંગ્લાદેશીઓની ઘુષણખોરી કેસમાં પણ સંડોવણી ખૂલી

ક્રાઇમબ્રાંચની પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી

ગેરકાયદે આવકથી કન્ટ્રક્શનના ધંધામાં મોટાપાયે ઝંપલાવવાની સાથે ઉત્તર પ્રદેશમાં જમીનમાં રોકાણ કર્યુઃ આઠ એજન્ટોના નામ સામે આવ્યા

Updated: May 3rd, 2025

GS TEAM


Google News
Google News
લલ્લા બિહારીની બાંગ્લાદેશીઓની ઘુષણખોરી કેસમાં પણ સંડોવણી ખૂલી 1 - image

અમદાવાદ,શનિવાર

ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ અને વીજ કનેકશનની સાથે અનેક ગુનાહિત પ્રવૃતિ  આચરનાર લલ્લા બિહારીની ધરપકડ બાદ પોલીસે શરૂ પ્રાથમિક પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે  લલ્લા બિહારી બાંગ્લાદેશીઓની ઘુષણખોરીનું નેટવર્ક ચલાવતો હતો. જે માટે તેણે બાંગ્લાદેશી તેમજ અન્ય એજન્ટોના સંપર્કમાં હતો.સાથે સાથે તેણે ગેરકાયદે આવકથી સોનામાં રોકાણની સાથે  કન્ટ્રક્શનના વ્યવસાયમાં તેમજ ઉત્તરપ્રદેશમાં જમીનમાં મોટાપાયે નાણાં રોક્યા હતા. પોલીસને  તેની પાસેથી મળી આવેલી હિસાબની ડાયરીમાં અનેક વિગતો મળી છે. જેના આધારે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

લલ્લા બિહારીએ ચંડોળા તળાવ અને આસપાસની સરકારી જગ્યા પર ગેરકાયદે બાંધકામ કરીને મિલકતો ભાડે આપવાની સાથે નિયમ વિરૂદ્ધ વીજ કનેકશન લેવાની સાથે બાંગ્લાદેશીઓની ઘુષણખોરી કરવાનું ગુજરાતનું સૌથી મોટુ નેટવર્ક સેટ કર્યું હતું. ક્રાઇમબ્રાંચના અધિકારીઓને લલ્લા બિહારીની પ્રાથમિક પુછપરછમાં બાંગ્લાદેશીઓની ઘુષણખોરીમાં સંડોવાયેલા આઠ એજન્ટોના નામ જાણવા મળ્યા હતા. જે બે બાંગ્લાદેશી એજન્ટ, બે પશ્ચિમ બંગાળના અને ચાર ગુજરાતી એજન્ટ હોવાનું  બહાર આવ્યું છે.

આ એજન્ટો સાથે મળીને લલ્લા બિહારી બાંગ્લાદેશીઓને ગેરકાયદેસર ઘુષણખોરી કરાવવાની સાથે તેમના ગેરકાયદે આધાર કાર્ડ, પાન કાર્ડ અને અને આવક દાખલા તૈયાર કરાવવાના બદલામાં હજારો રૂપિયા વસુલતો હતો. આમ, દેશ વિરોઘી પ્રવૃતિમાં પણ તેની સંડોવણી સામે આવતા પોલીસ આગામી સમયમાં આઠેય એજન્ટોની ધરપકડ કરીને લલ્લા બિહારી તેમજ તેમના વિરૂદ્ધ અલગથી ગુનો નોંધી શકે છે.આ ઉપરાંત, લલ્લા બિહારીએ ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં ગેરકાનુની ધંધાથી કરોડો રૂપિયાની આવક મેળવી હતી. જેનો ઉપયોગ તેણે કન્ટ્રક્શનના ધંધામાં તેમજ ઉત્તર પ્રદેશના કાસગંજ  જિલ્લામાં જમીન ખરીદીમાં કર્યો હોવાની વિગતો હિસાબોની ડાયરીમાંથી મળી છે. જેના આધારે આગામી સમયમાં પોલીસ ઇન્કમટેક્ષ વિભાગને પણ જાણ કરશે. આમ, લલ્લા બિહારીની પુછપરછમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

Tags :