Gujarat

લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીનો કલાવારસાને જીવંત રાખ્યો

By GS TEAM
17 Sep 20252 mins read
લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીનો કલાવારસાને જીવંત રાખ્યો

માટીના ગરબા તેમજ ઘોઘા બનાવવાની કામગીરી શરૃ 

ગરબામાં ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા અકબંધ

સુરેન્દ્રનગર -  માં આદ્યશકિતની ભક્તિ અને આરાધના કરવા માટે વર્ષમાં આવતી ચાર નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી ૨૨મી સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે ઝાલાવાડમાં પણ ગરબે રમવા ખેલૈયાઓએ તૈયારીઓ શરૃ કરી દીધી છે.  

નોરતા પૂર્વ બજારોમા રંગબેરંગી સુંદર ભાતવાડા માટીના છિદ્રોવાળા ગરબાનું વેચાણ થતું હોય છે. જે પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરમિયાન ઘેરઘેર માટીના ગરબામાં થોડા ઘઉં મૂકી તેની ઉપર કોડિયું રાખીને તેમાં ઘીનો દીવો પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે.

સમય ભલે બદલાયો હોય પરંતુ માટીના ગરબાનું એટલું જ મહત્વ લખતર શહેરમાં આજેય જોવા મળે છે. જેમાં મોટા ભાગના માઇભકતો નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપનમા દેશી ગરબા લેવાનું જ પસંદ કરતા હોય છે. પરંતુ માટીમાંથી ગરબા બનાવવાની પરંપરા જૂની છે તે લુપ્ત થતી જઈ રહી છે. આજની નવી પેઢી ચાકડા ઉપર માટીના ગરબા બનાવાનું ટાળી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પૂર્વ લખતરના કુંભાર શેરીમાં રહેતા ૩૬ કાંઠાના કારીગર કહેવાતા અમરશીભાઈ દેવજીભાઈ લખતરીયાનાં પરિવારના લોકો છેલ્લી પાંચ પેઢીઓથી ૬૪ ક્લામાંથી એક એવી માટીની કલાવારસો જીવંત રાખવા કામગીરી કરી રહ્યા છે. 

લખતરના આ પરિવારે ઇકો ફ્રેન્ડલી ગરબા, નાના બાળકો નવરાત્રિમાં સાંજે લઇને ફરતા હોય એ માટીના ઘોઘા તથા કોડિયા બનાવવાની કામગીરી હાલમાં પુરજોશમાં શરૃ કરી દીધી છે. તેને રંગરોગાન પણ કરી નવું રૃપ આપવાનું કામ દિકરી તેની માતાને ઘરકામની સાથોસાથ ઘોઘા તેમજ ગરબાને અવનવી ડીઝાઇન તેમજ રંગકામ કરી મદદરૃપ બની રહી છે.પરંતુ આ વર્ષે ગરબા સારી રીતે વેચાશે તેમજ ગરબા રસીકો અને ખેલૈયાઓ માતાજીના ગરબા મોટા પ્રમાણમાં વેચાણ થાય તેવી ગરબા બનાવનાર કારીગરોની આશા વ્યક્ત કરી રહ્યા છે.