જામનગરના પ્રદર્શન મેદાનના શ્રાવણી લોકમેળામાં સાતમ આઠમ નોમના તહેવારોમાં બે થી સવા બે લાખ લોકોએ મેળાનું મનોરંજન માણ્યું
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી લોક મેળાનું આયોજન કરાયું છે, જેનો સાતમના તહેવારના દિવસે સવારે 11:30 વાગ્યે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ થયો હતો.
સાતમ આઠમ અને નોમના ત્રણ દિવસના તહેવારો દરમિયાન વરસાદના ઝાપટાં ની વચ્ચે પણ લોકોએ મેળાની રંગત માણી હતી, અને ત્રણ દિવસ દરમિયાન બેથી સવા બે લાખ લોકોએ મેળાનું મનોરંજન માણ્યું હતું.
જામનગરના પોલીસ વિભાગ, મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ, તથા સિક્યોરિટી વિભાગ વગેરેની સુંદર વ્યવસ્થા ના કારણે બાજુમાં જ એસ.ટી. ડિવિઝન આવેલું હોવા છતાં પણ કોઈ ટ્રાફિક જામની સમસ્યા થઈ ન હતી, અને એસ.ટી.ના તમામ રૂટો પણ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા, જ્યારે નગરજનોએ મેળા નું ભરપૂર મનોરંજન માણ્યું હતું, અને જામનગરના લોકોએ સાતમ આઠમના તહેવારની ઉજવણી કરી હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા 10 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધીના શ્રાવણી મેળાનું આયોજન કરાયું હતું, પરંતુ કાનૂની ગૂંચ વગેરે મુદ્દા તેમજ એસ.ઓ.પી. ની ગાઈડલાઈન ને અનુસરીને રાઇડ્સ વગેરેના અભિપ્રાયો મેળવવામાં થોડો વિલંબ થયો હોવાથી સાતમના તહેવારના દિવસે તારીખ 15મી ઓગસ્ટે મેળાનો પ્રારંભ થયો હતો. ત્રણ દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પણ વરસ્યા હતા, જેમાં ખાસ કરીને જન્માષ્ટમીના તહેવારના દિવસે સાંજે બે વખત મોટા વરસાદી ઝાપટાં પડી ગયા હતા, અને વરસતા વરસાદે પણ શહેરીજનો મેળાની રંગત માણવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
જોકે મહાનગરપાલિકા દ્વારા મેળા મેદાનમાં કાંકરી પાથરેલી હોવાના કારણે ગારા કીચડ નો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો, અને વરસાદ નું પાણી ભરાવાનો પણ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો.
મેળામાં પાથરણાવાળાઓ એને રકડીધારકોને દૂર રખાવવા એસ્ટેટ વિભાગની સરાહનીય કામગીરી
જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની મોટી ટુકડી અલગ અલગ બે શિફ્ટ માં બંદોબસ્ત માટે રહી હતી, અને મેળા મેદાન ની વચ્ચે ઘુસી આવનારા પાથરણાવાળાઓ, રેકડી ધારકો કે અન્ય નાની મોટી ચકરડી વાળા વગેરેને કોઈપણ પ્રકારે ઘૂસવા દીધા ન હતા, અને મોટાભાગે મેળા મેદાન ખાલી રખાવ્યું હતું, જેના કારણે ભીડ થવાની કોઈ સમસ્યા રહી ન રહી ન હતી.
અને ગૌરવ પથ માર્ગ કે જ્યાં પણ અનેક પથારાવાળાઓ મોટી જગ્યા રોકીને બેસી જતા હોવાથી તે સંપૂર્ણપણે રસ્તો ખાલી રાખવામાં આવ્યો હતો, અને કોઈપણ પાથરણાવાળા વગેરે દેખાય તો તેઓનો માલ સામાન જપ્ત કરીને મહાનગરપાલિકામાં જમા કરાવી દેવાતો હતો, જેના કારણે સંપૂર્ણ રસ્તાઓ ખુલ્લા રહ્યા હતા, અને ટ્રાફિકની સમસ્યા રહી ન હતી. મેળાના સિક્યુરિટી વિભાગ તેમજ ખાસ કરીને નિવૃત્ત આર્મીમેન કે જેની પણ સારી કામગીરી રહી હતી.
જામનગર પોલિસ અને ટ્રાફિક વિભાગ નો સજ્જડ બંદોબસ્ત ટ્રાફિક નિયંત્રણમાં કામ લાગ્યો
જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાનીમાં સીટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા અને સિટી એ. ડિવિઝન ના પી.આઈ. એન.એ. ચાવડાની રાહબરી હેઠળ સમગ્ર મેળા પરિસર સહિતના વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મેળા મેદાનની અંદર હંગામી પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હતી, અને ત્યાં પણ મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેના કારણે પણ મેળાની અંદર સુરક્ષા વ્યવસ્થા જળવાઈ હતી, અને કોઈ પિક પોકેટિંગ સહિતના કોઈ બનાવો બન્યા ન હતા.
ઉપરાંત જામનગરની ટ્રાફિક શાખા ની પણ સરાહનીય કામગીરી રહી હતી, જેના કારણે બાજુમાં જ આવેલું એસ.ટી. ડિવિઝન કે જેમાં પ્રતિદિન 1000થી વધુ એસ.ટી. બસોની ટ્રીપ દોડી રહી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના અકસ્માત કે વિઘ્ન વિના ટ્રાફિક બંદોબસ્ત જળવાઈ રહ્યો હતો.
ઉપરાંત પોલીસ ટેન્ટ ની અંદર 50થી વધુ સીસી ટીવી કેમેરા લગાવાયેલા હોવાથી તેનું સર્વેન્સ કરવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મેળા પરિષર પર બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે બે વોચ ટાવર પણો ઉભા કરાયા હતા, જેના દ્વારા પણ મેળા મેદાન ઉપર સંપૂર્ણ વોચ રહી હતી.
મેળામાં સફાઈ વ્યવસ્થા પણ સુંદર જળવાઈ
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી ની રાહબરી હેઠળ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની,અને મુકેશભાઈ વરણવા સહિતના અધિકારીઓની ટિમ ની દેખરેખ હેઠળ સમગ્ર મેળાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, અને એસ્ટેટ અધિકારી હરેશ વાણીયા, નીતિન દીક્ષિત ની રાહબરી હેઠળ અને અનવર ગજજણની આગેવાની માં સમગ્ર ટીમ ખડે પગે રહી હતી.
મેળામાં ઠેર ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા, અને રાત્રિના મેળો પૂર્ણ થયા બાદ રાત્રી સફાઈ પણ કરી લેવામાં આવી હતી, અને એકત્ર થયેલો કચરો મેળા મેદાનની બહાર ટ્રેક્ટર મારફતે મોકલી દેવામાં આવ્યો હતો. જેથી મેળા મેદાન પ્રત્યેક દિવસે સાફ સુથરુ રહ્યું હતું.
ઉપરાંત પીવાના પાણીના બે અલગ અલગ પરબ બનાવાયા હતા, અને ત્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યા હતા. સાથોસાથ અલગ અલગ સ્થળે ટોયલેટ બ્લોક પણ મૂકવામાં આવ્યા હતા
વિધોતેજક મંડળના મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા મેળામાં આવનારા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ
જામનગર ના પ્રદર્શન મેદાનમાં યોજાયેલા શ્રાવણી લોકમેળામાં આવનારા લોકો, કે જેઓ પોતાના ટુ વ્હીલર સહિતના વાહનો લઈને લોકમેળા મેદાનની નજીક આવી શકે, તે માટે સામેના વિદ્યોતેજક મંડળના મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી વિદ્યોતેજક મંડળના પ્રમુખ અરવિંદભાઈ શાહ, તથા અન્ય ટ્રસ્ટીઓ સાથે મ્યુની. કમિશનર ડી.એન. મોદીની ચર્ચા વિચારણા બાદ આખરે વિદ્યોતેજક મંડળની પાછળની દીવાલો તોડીને હંગામી રસ્તા બનાવી દેવાયા હતા, અને તે ગ્રાઉન્ડ પાર્કિંગ માટે જમીન સમથળ બનાવી દઈ ત્યાં લાઇટિંગ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, અને વિશાળ સંખ્યામાં વાહનનો પાર્ક થઈ શક્યા હતા, અને પગપાળા ચાલીને લોકો મેળા મેદાનમાં આરામથી પહોંચી શકતા હતા, જેથી લોકોને ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ થઈ હતી.
જા.મ્યુ.કો.ની લાઈટ શાખા તથા પીજીવીસીએલની ટીમની પણ વિજ પુરવઠો જાળવવા સુંદર વ્યવસ્થા
જામનગરના પ્રદર્શન મેદાનમાં વિદ્યુત પુરવઠો સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે વિજ તંત્ર દ્વારા પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી, અને મેળા મેદાનની બહાર હંગામી છાવણી ઉભી કરીને ત્યાં જ વિજ તંત્રની ટીમને રાઉન્ડર કલોક ફરજ પર મૂકી દેવામાં આવી હતી. તેઓએ સંપૂર્ણ પણે વિજ પુરવઠો જળવાયેલો રહે, તેની તકેદારી રાખી હતી. રાઈડ તથા સ્ટોલ વગેરેમાં હંગામી 15થી વધુ વીજ કનેક્શન લેવામાં આવ્યા હતા, જે તમામમાં પુરતો વિજ પુરવઠો મળી રહે, તે માટે અલગ અલગ ટ્રાન્સફોર્મર ઊભા કરીને તેની વ્યવસ્થા કરાઈ હતી.
તેમજ મહાનગરપાલિકા ની લાઈટ શાખા દ્વારા 280 જેટલા વીજ પોલ ઉભા કરીને સોડિયમ લાઈટ મૂકી દેવામાં આવી હતી, જેથી સમગ્ર મેળા મેદાન ઝળહળતું જોવા મળ્યું હતું. ઉપરાંત લાઈટ જાય તો તેવા સંજોગોમાં બે હેવી જનરેટર સેટ પણ મૂકવામાં આવ્યા હતા.