લાખજીરાજ શાક માર્કેટ ભયગ્રસ્ત, 96 થડા ખાલી કરવા ફરી નોટિસ

મનપાની મિલ્કતો કેટલી જર્જરિત તે અંગે હાથ ધરાતો સર્વે
મનપાનું એનેક્સી બિલ્ડીંગ, કેનાલ રોડ, ભુતખાના, વિજ કચેરી પાસેની મિલ્કતો સામે પણ ભયગ્રસ્ત ગણીને કાર્યવાહી
રાજકોટ: રાજકોટમાં ઈ.સ.૧૯૩૪માં રાજાશાહી વખતે બનેલી ઐતહાસિક લાખાજીરાજ શાકમાર્કેટનું બિલ્ડીંગ ભયગ્રસ્ત હોવાના રિપોર્ટ બાદ મનપાએ ત્યાં વર્ષોથી બેસતા ૯૬ થડાંધારકોને ખાલી કરવા અંતિમ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત કેનાલ રોડ પર મનપાના શોપીંગ સેન્ટરમાં પહેલા માળે દુકાન નં.૪ ચેતન હાર્ડવેરને પણ આ ઈમારત જર્જરીત હોય અગાઉ તા.૧૦-૮-૨૪ સુધીની મુદતની નોટિસ બાદ અંતિમ નોટિસ એસ્ટેટ વિભાગ દ્વારા અપાઈ છે.
એસ્ટેટ અધિકારી મેહુલ ગાંધીએ જણાવ્યા મૂજબ આ ઉપરાંત મનપાના મેઈન બિલ્ડીંગ સામે આવેલ એનેક્સી બિલ્ડીંગ, ભુતખાના ચોકમાં તેમજ પી.જી.વી.સી.એલ.ની કચેરી પાસેની મિલ્કત વગેરે સહિત કૂલ ૬ મિલ્કતોને ભયગ્રસ્ત ગણીને ખાલી કરવા નોટિસ અપાઈ છે જેમાં બે કેસમાં કોર્ટમાં દાવો કરાયો છે. આ મિલ્કતો ભાડુતવાળી એટલે કે ભરેલ કબજે છે.
આ ઉપરાંત શહેરમાં મનપાની આશરે ૬૦ જેટલી મિલ્કતોની સ્ટ્રક્ચરલ સેફ્ટી હાલ ચોમાસાને ધ્યાને લઈને તપાસવા પણ કાર્યવાહી હાથ ધરાયાનું જાણવા મળ્યું છે.








