Gujarat

ગળતેશ્વરના વાંઘરોલી ગામનું તળાવ ઓવરફ્લો : 10 ગામમાં પૂરનો ભય

By GS TEAM
8 Sep 20251 min read
ગળતેશ્વરના વાંઘરોલી ગામનું તળાવ ઓવરફ્લો : 10 ગામમાં પૂરનો ભય

- ઉપરવાસમાં ભારે વરસાદથી 999 વીઘામાં પથરાયેલું

- સરપંચ, તલાટીને ગામ- સ્થળ નહીં છોડવા આદેશ  જરૂર જણાય તો ગ્રામજનોનું સ્થળાંતર કરવા સૂચના

ઠાસરા : ગળતેશ્વરના વાંઘરોલીનું ૯૯૯ વીઘામાં પથરાયેલું તળાવ ઓવરફ્લો થતા ૧૦ ગામમાં પૂરના પગલે સરપંચ અને તલાટીને સ્થળ નહીં છોડવા આદેશ અપાયા છે. 

ખેડા જિલ્લાનું સૌથી મોટું ૯૯૯ વીઘામાં પથરાયેલું ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી ગ્રામ પંચાયતમાં સિંચાઈ વિભાગનું તળાવ આવેલું છે. ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે તળાવ ઓવરફ્લો થતા ગળતેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર દોડતું થયું છે. તળાવમાં તા. ૬ઠ્ઠીને શનિવારે ભારે પ્રમાણમાં પાણીની આવક વધી જતા તળાવ બહાર સતત પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. હજૂ ભારે વરસાદ પડતો હોવાથી વાંઘરોલી તળાવના પાણીની નુકસાન અને પૂરની સ્થિતિનો ભય ઉભો થયો છે. ગળતેશ્વર તાલુકાના ૧૦ જેટલા ગામોને તળાવના પાણીથી નુકસાનની ભીતિના પગલે સાવચેતીના ભાગરૂપે ગળતેશ્વર તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા સરપંચ અને તળાટી કમ મંત્રીઓને ગામ- સ્થળ નહીં છોડવા સૂચના અપાઈ છે. 

જરૂર જણાય તો ગ્રામજનોને અન્ય સ્થળે સુરક્ષિત સ્થળાંતરિત કરી પુર કંટ્રોલ ખાતે જાણ કરવા પણ તાકીદ કરાઈ છે. 

કયા કયા ગામોમાં તળાવના પાણીથી પૂરની ભીતિ ?

ગળતેશ્વર તાલુકાના વાંઘરોલી, ખાખરિયા, જરગાલ, ડભાલી, સણાંદરા, પાલૈયા, ડાભસર, વાડદ, મીઠાના મુવાડા સહિતના ગામોમાં પૂરની ભીતિ છે. વાંઘરોલી ગ્રામ પંચાયતના તળાવની પાળને અડીને આવેલા પેટા ખાખરિયા ગામને વધુ નુકસાન થવાની સંભાવના છે.