મહામંડલેશ્વરની પદવી ધરાવતા મહાદેવ ભારતીને શોધવા પોલીસ ધંધે લાગી આશ્રમના અમુક વહીવટકર્તાઓને આશ્રમ કર્મચારીઓની પત્ની સાથે આડા સંબંધ હોવાનો ચોંકાવનારો આક્ષેપ: 5 શખ્સો માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ
જૂનાગઢ, : જૂનાગઢ ભારતી આશ્રમના લઘુ મહંત અને થોડા સમય પહેલા જેને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી તેવા મહાદેવ ભારતી ગુરૂ હરિહરાનંદ ભારતી 5 પાનાની સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ ગયા છે. સ્યુસાઈડ નોટમાં લઘુ મહંતે પાંચ શખ્સોના નામનો ઉલ્લેખ કરી તેઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાથી આ પગલું ભરી રહ્યા છે. કોઈને કોઈ કારણ સબબ ત્રાસ આપવામાં આવતો હોવાથી જૂનાગઢને બદલે ભારતી આશ્રમની અલગ-અલગ જગ્યાઓમાં ઘણા સમયથી ફરી રહ્યા છે. ત્યાં પણ ત્રાસ આપવામાં આવતા ભારતી આશ્રમ સાથે સંકળાયેલા આઠ લોકોને સ્યુસાઈડ નોટ મોકલી ગુમ થઈ જતા પોલીસ ધંધે લાગી છે.
ભારતી આશ્રમ વધુ એકવાર વિવાદમાં આવ્યો છે. અગાઉ ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ ભારતી પોતે ગુમ થઈ ગયા હતા, ત્યારબાદ અમદાવાદના સરખેજ સ્થિત આશ્રમને લઈ વિવાદ થયો હતો હવે લઘુ મહંત સ્યુસાઈડ નોટ લખી ગુમ થઈ જતા ફરી નવો વિવાદ સર્જાયો છે. આશ્રમમાં રહેતા અને વહિવટ સંભાળતા અનેક શખ્સોને આશ્રમ સાથે જોડાયેલા લોકોની સાથે આડા સબંધ હોવાનો પણ સ્યુસાઈડ નોટમાં ચોંકવનારો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહિલા સાથેના સબંધના લીધે જે ફેરફાર થયા તેના કારણે આશ્રમના અન્ય સાધુને તે વાત હજમ ન થઈ અને ત્યાંથી આ વિવાદની શરૂઆત થઈ હતી. ત્યારબાદ આશ્રમના અન્ય વહિવટકર્તા એક સાધુએ મળી મહાદેવ ભારતીને યેનકેન પ્રકારે માનસિક ત્રાસ આપવાનું શ: કર્યું હતું. જેના લીધે મહાદેવ ભારતી ભારતી આશ્રમની ગુજરાતમાં અલગ-અલગ સ્થળે આવેલ જગ્યાઓમાં ચાલ્યા જતા હતા ત્યાં પણ આ શખ્સો દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.
પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન, સીસીટીવી ફુટેજ, બાતમીદારો સહિતની ટીમને કામે લગાડી મહાદેવ ભારતીની શોધખોળ કરવામાં આવી રહી છે. સવારથી અનેક સાધુ-સંતો મહાદેવ ભારતીને શોધવા માટે તથા તેને પરત લાવવા માટે મથામણ કરી રહ્યા છે પરંતુ સાંજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સમગ્ર મામલે મહાદેવ ભારતીના ગુરૂ હરિહરાનંદ ભારતીએ કંઈપણ બોલવાનો ઈન્કાર કર્યો છે.


