મહિલા મુસાફરો સૌથી ભૂલકણાં, સિટિ બસમાંથી દર બીજા દિવસે એક લેડિઝ પર્સ મળે છે
વડોદરાઃ શહેરમાં૧૪૦ જેટલી સિટિ બસો ૬૨ જેટલા રુટ પર દોડે છે અને રોજ તેમાં ૮૦૦૦૦ જેટલા મુસાફરો મુસાફરી કરી છે.આ પૈકી ઘણા મુસાફરો રોજ કોઈને કોઈ વસ્તુ બસમાં ભૂલી જતા હોય છે.
જેને રાખવા માટે અને મુસાફરોને પાછી આપવા માટે લોસ્ટ પ્રોપર્ટી સેલ બનાવવામાં આવ્યો છે.મુસાફરો જે વસ્તુઓ ભૂલી જાય છે તેનો ઉલ્લેખ એક રજિસ્ટરમાં કરવામાં આવે છે. સિટિ બસમાંથી બિનવારસી હાલતમાં દર મહિને ૨૫ થી ૩૦ વસ્તુઓ બિનવારસી હાલતમાં મળી આવે છે અને તેમાં સૌથી વધારે સંખ્યા લેડિઝ પર્સની હોય છે.
સિટિ બસ સેવાના મેનેજર નરેન્દ્રસિંહ રાણા કહે છે કે, મહિલા મુસાફરો વધારે ભૂલકણા હોય છે અને દર બીજા દિવસે સિટિ બસમાંથી એક લેડિઝ પર્સ મળી આવતું હોય છે.મુસાફરોને તેમની વસ્તુઓ પાછી મળે તે માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે.લેડિઝ પર્સ સિવાય મોબાઈલ, ચાર્જર, પાવર બેન્ક, સ્ટુડન્ટ બેગ, છત્રી, ટિફિન, વોટર બોટલ, લેપટોપ પણ મુસાફરો ભૂલી જતા હોય છે.મુસાફરોને તેમની વસ્તુ પાછી મળી જાય તે માટે જરુર પડે તો અમે સામેથી તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીએ છે.
વાઘોડિયાની મહિલા અઢી લાખના દાગીના ભરેલું પર્સ ભૂલી ગઈ
૨૦૦૯થી સિટિ બસ સેવા શરુ થઈ છે અને અત્યાર સુધીમાં ભૂલી જવાયેલી સૌથી કિંમતી વસ્તુમાં અઢી લાખના સોના-ચાંદીના દાગીના ભરેલું લેડિઝ પર્સ હતું.૨૦૨૧માં વાઘોડિયાના એક મહિલા શુભ પ્રસંગ માટે વડોદરા આવ્યા હતા અને ઉતાવળમાં બસમાં જ પર્સ ભૂલી ગયા હતા.બસ કંડકટર પ્રવીણભાઈ મીના અને ડ્રાઈવર રહેમતખાન પઠાણે મળીને સિટિ બસ ડેપોમાં પરત કર્યું હતું.તેમાં અઢી લાખના દાગીના હતા.યોગ્ય ખરાઈ કર્યા બાદ મહિલાને આ પર્સ પરત આપવામાં આવ્યું હતું.એક તબક્કે તેઓ માની નહોતા શક્યા કે પર્સ પાછું મળ્યું છે.
નવા ડેપોમાં સ્થળાંતર બાદ મુસાફરોની સંખ્યા ઘટી
સિટિ બસનો ડેપો પહેલા સ્ટેશન વિસ્તારની મધ્યમાં હતો અને હવે તે વડોદરા રેલવે સ્ટેશનની સામે શિફટ કરવામાં આવ્યો છે.જેના કારણે સિટિ બસ સેવાનો ઉપયોગ કરતા મુસાફરોની સંખ્યામાં લગભગ ૨૦૦૦૦ જેટલો ઘટાડો નોંધાયો છે.કારણકે હવે બસ ડેપોથી બસ પકડવા માટે મુસાફરોને ખાસુ ચાલવું પડે છે.
સોમા તળાવ, તરસાલી, માણેજા રુટ પર સૌથી વધુ મુસાફરો
સિટિ બસ સેવાના વિવિધ રુટ પૈકી સોમા તળાવ, તરસાલી, દુમાડ ચોકડી, માણેજા રુટ પરની બસોમાં મુસાફરી કરનારાઓની સંખ્યા વધારે છે.જ્યારે ગોત્રી અને છાણી તરફના રુટ પરની બસોમાં સરવાળે ઓછા મુસાફરો જોવા મળે છે.બસ પાસમાં કન્સેશન મળતું હોવાથી નિયમિત રીતે સિટિ બસનો ઉપયોગ કરનારાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે.
દોઢ તોલાની ચેન પાછી મળી તો મહિલા રડી પડી
ગત ૩ જુલાઈના રોજ સ્ટેશન ડેપોથી ન્યાયમંદિર જતી બસમાં મુસાફરી કરી રહેલા એક કેન્સરગ્રસ્ત મહિલા પર્સ ભૂલી ગયા હતા.જેમાં દોઢ તોલાની સોનાની ચેન હતી.તેઓ રાવપુરા ખાતે આવેલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ગયા હતા.મંદિર પર તેમને યાદ આવ્યું હતું કે, પર્સ બસમાં રહી ગયું છે.તેમણે બસ ડેપો ખાતે આવીને આ બાબતની જાણ કરી હતી.તેમનું પર્સ ડેપો ડ્રાઈવર અને કંડકટરે પરત આપ્યું હતું.મહિલાને ચેન પરત મળી ત્યારે તેઓ ચોધાર આંસુએ રડી પડયા હતા.