- સમયસર કચરાના ઢગ ઉપાડવામાં આવતા નથી
- સિહોરવાસીઓનું આરોગ્ય જોખમાઈ રહ્યું હોવા છતાં ન.પા. તંત્રની આંખ આડા કાન
સિહોરની એકાદ લાખ વસ્તીની સામે ન.પા.ના સેનીટેશન વિભાગ પાસે હાલ બે જ ટ્રેક્ટર શરૂ હાલતમાં છે. સ્ટાફ પણ અપૂરતો હોવાથી નિયમિત રીતે કચરો ઉપાડવામાં આવતો નથી. જેના કારણે ઉકરડા પોઈન્ટ પર કચરાના ઢગ ખડકાયેલા રહે છે. આ કચરો રસ્તા પર આવી જાય છે, જેના કારે અસહ્ય દુર્ગંધથી રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ૧૫-૨૦ દિવસ સુધી કચરાના ઢગલા ઉપાડવામાં આવતા ન હોય, લોકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. તેમ છતાં નગરપાલિકા તંત્ર અને સત્તાધિશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે. કેટલાક વિસ્તારોમાં નિયમિત રીતે ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન થતું ન હોવાના કારણે સ્થાનિકો રસ્તા પર જ કચરો-એઠવાડ નાંખે છે. ત્યારે ગંદકીની કાયમી સમસ્યામાંથી છૂટકારા માટે સરકારમાંથી નવા વાહનોની માંગણી અથવા વાહનો ભાડે રાખવા જોઈએ. તેમજ રોજમદાર કર્મચારીઓ પણ રાખવા જોઈએ તેવી સિહોરવાસીઓમાં પ્રબળ માંગ ઉઠી છે.


