Get The App

મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
મુળીના સડલામાં યુરિયા ખાતરની અછત : રવી પાકને નુકસાનની ભીતિ 1 - image

- ખેડૂતોએ વીડિયો વાઇરલ કરી બળાપો કાઢ્યો

- અઠવાડિયે માત્ર એક ગાડીની ફાળવણી : કલાકો લાઈનમાં ઉભા રહ્યા બાદ માત્ર બે થેલી ખાતર મળતું હોવાની રાવ

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના ખેડૂતો રવિ સીઝનની કામગીરી સમયે જ યુરિયા ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. ઝાલાવાડના ખેડૂતોએ કમોસમી વરસાદના નુકસાનને વેઠયા બાદ જીરું, ચણા, વરિયાળી અને અજમો જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. હાલ પાકને ખાતરના છંટકાવની તાતી જરૂરિયાત છે, ત્યારે જ ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

ખાસ કરીને મુળીના સડલા ગામમાં સ્થિતિ વધુ વિકટ છે. અહીં યુરિયા મેળવવા માટે ખેડૂતોને વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. ખેડૂતોના આક્ષેપ મુજબ, સરકાર દ્વારા અઠવાડિયે ખાતરની માત્ર એક જ ગાડી ફાળવવામાં આવે છે, જે ગામની જરૂરિયાત કરતા ઘણી ઓછી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ખેડૂત દીઠ માત્ર બે થેલી યુરિયા આપવામાં આવતા ખેતીના કામો અટકી પડયા છે. આ સમસ્યાને વાચા આપવા માટે ગામના જાગૃત ખેડૂતોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યોે છે.

ખેડૂતોમાં રોષ છે કે ખેતીની સીઝન દરમિયાન ખેતરમાં કામ કરવાને બદલે ખાતર માટે સમય બગાડવો પડે છે. ખેડૂતોએ સત્વરે પૂરતા પ્રમાણમાં અને નિયમિત ખાતરનો જથ્થો ફાળવવાની માંગ કરી છે. જોકે, આ બાબતે જિલ્લા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિયમિત યુરિયાની રેક મોકલવામાં આવે છે અને જિલ્લામાં પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે. આમ, ખેડૂતોની બૂમ અને અધિકારીઓના દાવા વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.