વડોદરાના નિઝામપુરા સ્મશાનગૃહમાં સુવિધાઓનો અભાવ, અંતિમવિધિ માટે આવતા લોકોને તકલીફ
Vadodara : વડોદરામાં નિઝામપુરા સ્મશાનનું સંચાલન હાલ બરાબર થતું નથી. જેના કારણે સ્મશાન ગૃહે આવતા લોકો તકલીફ ભોગવી રહ્યા છે. અગાઉ વડોદરા કોર્પોરેશને આઉટ સોર્સીંગથી શહેરના ચાર ઝોનમાં આવેલા સ્મશાનોની કામગીરી સંસ્થાઓ પાસેથી 10.43 કરોડના ખર્ચે કરાવવાની દરખાસ્ત મંજૂર કરી હતી. જોકે હજુ આનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો નથી.
નિઝામપુરા સ્મશાનમાં સફાઈ, શૌચાલયની સફાઈ, બાગ બગીચાની નિભાવણી થતી નથી. પીવાનું તો ઠીક હાથ ધોવા માટે પણ પાણી નથી હોતું. બહાર પડેલા ઢગલામાંથી લાકડા આપી દેવામાં આવે છે. પરંતુ છાણા અને પૂળાના નાણા લેતા હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે. વોર્ડ નં.1 ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ સ્મશાનમાં વિધિ માટે જતાં નાગરિકો હાલાકી ભોગવે છે ને તે અંગેનો વિડીયો બનાવીને મોકલે છે. સ્થળ સ્થિતિ નિહાળી ત્યારે કામ બરાબર થતું ન હોવાનું જણાયું હતું. નિઝામપુરા સ્મશાનમાં લાકડાનો જંગી જથ્થો ગોડાઉન હોવા છતાં બહાર રાખી મૂકવામાં આવતા વરસાદમાં પલળી ગયો હતો. હજુ થોડાક દિવસ પહેલા જ સામાજિક કાર્યકર દ્વારા કોર્પોરેશનના તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બાળવા માટેના જે લાકડા ખુલ્લામાં પડી રહ્યા છે, તે તાત્કાલિક ગોડાઉનમાં કે શેડ નીચે રાખી દેવા જોઈએ, પરંતુ તંત્રએ ધ્યાન આપ્યું ન હતું.