વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં હજી પણ ઐતહાસિક ઈમારતનું છેલ્લા તબક્કાનું રિનોવેશન પુરુ થયું નહીં હોવાથી ફેક્લ્ટીમાં ચારે તરફ કચરો અને કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે.બીજી તરફ ફેકલ્ટીની સફાઈ વ્યવસ્થા પણ ખાડે ગઈ છે.જેના કારણે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.
આર્ટસ ફેકલ્ટીમાં એક તો પહેલેથી વોશરુમની અછત છે અને ઉપરથી જે વોશરુમ છે તેની સફાઈ જ નહીં થઈ રહી હોવાથી નર્કાગાર જેવી સ્થિતિ હોવાનો આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરાયો છે.આ મુદ્દે ફેકલ્ટીના ઈન્ચાર્જ ડીનને આજે રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ફેકલ્ટીમાં કોઈ સફાઈ કરવા માટે આવતું જ નથી અને ફેકલ્ટી સત્તાધીશોને પણ પરવા નથી.વોશરુમ તો ઠીક છે પણ વર્ગોમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે.આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને ભણવાનો વારો આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ફેકલ્ટીની ઐતિહાસિક ઈમારતનું રિનોવેશનનું કામ કોઈને કોઈ કારણસર લંબાઈ રહ્યું છે.ઓગસ્ટ મહિનામાં ગુંબજ અને ઈમારતનું કામ પુરુ થવાનું હતું તેની જગ્યાએ જાન્યુઆરી મહિનો પૂરો થયા બાદ પણ કામ પુરુ થયું નથી.આ કામ પુરુ નહીં થાય ત્યાં સુધી કચરાના ઢગલા હટશે નહીં તેવો પણ ગણગણાટ થઈ રહ્યો છે.


