Gujarat

આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

By GS TEAM
19 Nov 20252 mins read
આઝાદીના 78 વર્ષ બાદ ધ્રાંગધ્રાના કંટવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ

રોડ, પાણી, સ્ટ્રીટ લાઈટ વગર ૩૦૦ પરિવારોને હાલાકી

વિસ્તારના તમામ મકાનોની જમીન સુચિત હોવાથી સિટી સર્વેમાં કે નગરપાલિકાના ચોપડે પણ કોઈ ઉલ્લેખ નથી

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલા કંટાવા વિસ્તારના ૩૦૦થી વધુ શ્રમિક પરિવારો આઝાદીના ૭૮ વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ વિસ્તારના રહીશોને રોડ, પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ પણ મળી નથી.

શ્રમ વિસ્તાર તરીકે જાણીતો કંટાવા વિસ્તાર નગરપાલિકાની હદમાં આવેલો હોવા છતાં, સરકારી ચોપડે અહીંની જમીનને 'સૂચિત' ગણવામાં આવે છે. આ કારણે રહેણાંક મકાનોને સિટી સર્વેમાં સ્થાન મળ્યું નથી કે નગરપાલિકાના ચોપડે તેનો કોઈ ઉલ્લેખ છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અહી રહેતા ૩૦૦થી વધુ પરિવારોનો ઉપયોગ માત્ર મતદાન માટે જ થાય છે. ચૂંટણી ટાણે સ્થાનિકોને પ્રાથમિક સુવિધા આપવાના વાયદાઓ અને વચનો આપે છે, પરંતુ આજદિન સુધી આ વચનો પૂરા થયા નથી.

આશરે સાત વર્ષ પહેલાં આ વિસ્તારમાં પાણીના બોર માટે ઓરડી બનાવવામાં આવી હતી, પરંતુ બોર હજુ સુધી બનાવવામાં આવ્યો નથી. પરિણામે, સ્થાનિકોને પીવાનું પાણી ભરવા માટે આજુબાજુના ખેતરો અને વાડી વિસ્તારોમાં આશરે ચાર કિલોમીટર દૂર જવું પડે છે.

આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે પરંતુ આજે પણ ધ્રાંગધ્રા નગરપાલિકાનાની હદમાં આવતા કંટાવા વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓ ઝંખે છે. ત્યારે આ વિસ્તારના ગરીબ પરિવારોની વ્હારે ક્યારે તંત્ર આવે છે તે તો જોવું જ રહ્યું ?