વડોદરા પાલિકાના હદ વિસ્તારમાં આવતા કરોડીયા ગામની 21 વર્ષ જૂની સાઈનાથ સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
Vadodara Corporation : અગાઉ શહેરના છેવાડાના વિસ્તારને વડોદરા હાલ વિસ્તારમાં પાંચેક વર્ષ અગાઉ સમાવાયો હતો. જેમાં કરોડીયા ગામની કેટલીક સોસાયટીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે પરંતુ 22 વર્ષ જેટલી જૂની અને સૌ પ્રથમ આવેલી સાંઈનાથ સોસાયટી સહિત કેટલીક સોસાયટીઓનો આઉટગોઇંગ વિસ્તારમાં સમાવેશ કરાયો હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી સાઈનાથ સોસાયટીનો સમાવેશ કરાયો હોવા છતાં કોઈ પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, પાણી, કચરાના નિકાલની ગાડી નહીં આવતા રોષે ભરાયેલા સ્થાનિક રહીસોએ વહીવટી વોર્ડ આઠની કચેરીએ હલ્લો બોલાવીને ભારે સૂત્રોચાર કરી કચેરીના દરવાજે કચરાના થેલા ખાલી કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાના છેવાડાના ગામોનો પાંચ વર્ષ અગાઉ શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કરોળિયા ગામના પ્રવેશ દ્વારે જ આવેલી સાઈનાથ સોસાયટીમાં આજ દિન સુધી એક પણ પાયાની સુવિધા જેવી કે ગટર,પાણી, રોડ-રસ્તા તેમજ કચરાના નિકાલ માટે ડોર ટુ ડોરની ગાડી આવતી નથી. ખરાબ રસ્તાના કારણે આકસ્મિક સંજોગોમાં એમ્બ્યુલન્સ કે આગ જેવી આકસ્મિક સ્થિતિમાં ફાયર ફાઈટરો પણ આવી શકે તેમ નથી. આ ઉપરાંત સ્થાનિક લોકો વડોદરા મહાનગરપાલિકાને મિલકત વેરો પણ સમયસર ભરતા હોવા છતાં સાઈનાથ સોસાયટીને સુવિધા આપવામાં ઉણી ઉતરી છે. સોસાયટીઓને સુવિધાઓ આપવામાં વહીવટી પાંખ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ નિષ્ફળ રહ્યા છે. બે વર્ષ પહેલા સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને વોર્ડ નં.8 ના અન્ય કોર્પોરેટરો રાજેશ પ્રજાપતિ, મીનાબા પરમાર, રીટાબેન આચાર્ય દ્વારા ગટર તેમજ રોડના કામનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ ઉદ્ઘાટન માત્ર કાગળ પર જ રહ્યું અને આજ દિન સુધી કોઈપણ સુવિધાના કામ કરેલ નથી. પરિણામે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાથી ત્રાહિમામ સાઈનાથ સોસાયટીઓની તમામ લોકો સહિત મહિલાઓ મોટી સંખ્યામાં વડોદરા મહાનગરપાલિકાની વહીવટી કચેરી નં. 8 ખાતે કચરાની થેલાઓ ખાલી કરીને ભારે સૂત્રોચાર સાથે વિરોધ કરી સુવિધા આપવાની માંગ દોહરાવી હતી.