Gujarat

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો

By GS TEAM
23 Aug 20251 min read
TukuTouch Logo
પતિને પગે તથા પત્નીને પાંસળીમાં ફ્રેક્ચર થતા હાલ સારવાર હેઠળ

Summarized by AI; it may make mistakes. Check important info

એસટી બસ ચાલકે બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતી ઇજાગ્રસ્ત : બસ ચાલક વિરુદ્ધ ગુનો

Bharuch Accident : નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વર પાસે એસટી બસના ચાલકે બસ ફુલ સ્પીડે હંકારી બમ્પ કુદાવતા બસમાં સવાર શ્રમિક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા ફરિયાદના આધારે અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

દાહોદના વતની દહમરાજ દિતિયા ભાઈ તડવી ગઈ તા.21 ઓગષ્ટના રોજ પત્ની કસનીબેન સાથે રોઝામ ખાતેથી અંકલેશ્વર મજૂરી કામ અર્થે જવા નીકળ્યા હતા. દાહોદ ડેપોથી વલસાડ જતી એસટી બસમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. તે વખતે ભરૂચથી અંકલેશ્વરના માર્ગ ઉપર ભુત મામાની ડેરી નજીક બસ ચાલકે બસ પૂર ઝડપે હંકારતા બસ બમ્પ હોવાથી ઉછળી હતી. જેથી દંપતી બસમાં સીટ ઉપરથી નીચે પછડાયું હતું. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર અર્થે ખસેડાતા દહમરાજભાઈને પગે ફ્રેક્ચર તથા કસનીબેનને પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું હતું. દહમરાજના ભાઈ માજુભાઈએ બસ ચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાવતા પોલીસે બસ નંબરના આધારે ચાલકની શોધખોળ હાથ ધરી હતી.