Get The App

કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ

કામદારોને છૂટા કરવા ગેરકાયદેસર છટણી હોવાનું લેબર કોર્ટે નોંધ્યું

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ 1 - image


કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝર દ્વારા કરવામાં આવેલી અરજી પર લેબર જજ સંજયકુમાર સુમંતપ્રસાદ જાનીની કોર્ટમાં થયેલી સુનાવણી બાદ કોર્ટે છટણી ગેરકાયદેસર જાહેર કરી અરજદારોને નોકરીમાં પુનઃસ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.

અરજદારો નકુલ જીતુસિંહ મકવાણા , રાહુલ ઈશ્વરભાઈ ભરૂચી, ઉજ્જ્વલભાઈ જેંતીલાલ પટેલ અને ભાવેશ બાબુભાઈ પટેલ તરફથી રજૂઆત થઈ હતી કે, તેઓ યોગ્યતા આધારિત ઇન્ટરવ્યૂ પાસ કરી સફાઈ નિરીક્ષક તરીકે જોડાયા હતા. કાયમી ગણવાને લાયક હોવા છતાં અચાનક છટણી કરવામાં આવી હોવાને તેઓએ ગેરન્યાયી અને કિન્નાખોરીભર્યું પગલું ગણાવ્યું હતું. મ્યુ. કમિશનર, ડે. કમિશનર અને કા. ઈજનેર (સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ) તરફથી રજૂઆત થઈ હતી કે, અરજદારોની નિમણૂક ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ પર બે વર્ષ માટે કરવામાં આવી હતી. સમયગાળો પૂર્ણ થતાં કરાર આગળ ન વધારતા તેમની સેવા આપોઆપ સમાપ્ત થઈ ગઈ હતી. તેથી કાયમી કામદારોના લાભો આપવાના તેઓ હકદાર નથી. કોર્ટે પોતાના નિરીક્ષણમાં જણાવ્યું કે, અરજદારો ઇન્ટરવ્યૂ પાસ કરી જોડાયા હોવાથી તેમની ભરતી બેકડોર એન્ટ્રી માનવાની નથી. સફાઈનું કામ અવિરત ચાલુ રહેતું હોવાથી યોગ્ય કારણ વિના છટણી કરવી ન્યાયોચિત નથી. હાલની બેરોજગારીની પરિસ્થિતિમાં કામદારોને લાંબા સમય સુધી હંગામી રાખીને છોડી દેવું યોગ્ય નથી. અંતે કોર્ટે આદેશ આપ્યો કે અરજદારોને 30 દિવસની અંદર મૂળ હોદ્દા અને જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવે અને અરજી ખર્ચ પેટે રૂ. 5 હજાર ચૂકવવામાં આવે. જો કે પડેલા દિવસોના પૂરેપૂરા પગાર મેળવવા માટે તેઓ હકદાર નથી.


Tags :