Get The App

ફરી ધ્રુજ્યું કચ્છ : 24 કલાકમાં ત્રણ આંચકા, મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
ફરી ધ્રુજ્યું કચ્છ : 24 કલાકમાં ત્રણ આંચકા, મોડી રાત્રે ખાવડા પાસે 4.1ની તીવ્રતાનો ભૂકંપ 1 - image


Gujarat Kutch Earthquake News : ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ 1:22 વાગ્યે ખાવડા નજીક 4.1ની તીવ્રતાનો જોરદાર આંચકો અનુભવાતા લોકો ગાઢ નિંદ્રામાંથી જાગી ગયા હતા અને ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં આ ત્રીજો આંચકો નોંધાયો છે.

મોડી રાત્રે આવ્યો 4.1નો શક્તિશાળી આંચકો 

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલૉજીકલ રિસર્ચ (ISR), ગાંધીનગરના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા હતા. જોકે, સદ્નસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી.

ગઈકાલે પણ બે આંચકા નોંધાયા હતા 

આ પહેલાં શુક્રવાર, 16 જાન્યુઆરીના રોજ પણ કચ્છમાં બે હળવા આંચકા નોંધાયા હતા:

ભચાઉ પાસે: શુક્રવારે બપોરે 1:50 કલાકે ભચાઉથી 21 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ (NNE) દિશામાં 2.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ 23.9 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

રાપર પાસે: તે પહેલાં, શુક્રવારે વહેલી સવારે 5:47 કલાકે રાપરથી 19 કિલોમીટર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ (WNW) દિશામાં 2.5ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જે 11.1 કિલોમીટર ઊંડો હતો.

એક જ દિવસમાં ઉપરાછાપરી આવેલા આ ત્રણ આંચકા, ખાસ કરીને 4.1ની તીવ્રતાના ભૂકંપે, સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ પેદા કર્યો છે. ઉલ્લેખનીય છે કે કચ્છ સિસ્મિક ઝોન-5માં આવતો હોવાથી અહીં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.